ચોમાસા અંગે આવ્યું નવું અપડેટ; ગુજરાતમાં 84% ઓછો વરસાદ, આજે 14 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અલ નીનોની અસરના કારણે આ વખતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત હજુ સુધી થઈ નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, જૂન મહિનામાં અત્યાર સુધી સરેરાશ કરતાં 84 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાના આગમન માટે હજુ 3 થી 5 દિવસ રાહ જોવી પડી શકે છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ છે. સાપુતારા સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 14 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું આવ્યું છે, જેના કારણે રાજ્યમાં વરસાદમાં 84 ટકાની ભારે ઘટ જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાંથી આવતા નબળા પવનોને કારણે ચોમાસું સામાન્ય કરતાં મોડું થયું છે. અત્યાર સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર, સુરત, નર્મદા, તાપી અને વલસાડ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગના અંદાજ મુજબ જૂનના અંત સુધીમાં વરસાદ થવાની સંભાવના છે.ગુજરાતમાં આજે મેઘરાજા મહેરબાન થશે, ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી પણ વરસાદી માહોલ રહેવાનો અંદાજ છે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદનો અંદાજ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ અને તેજ પવનો સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવાની સલાહ આપી છે. તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે અને પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ પસાર થવાને કારણે વરસાદ થશે. ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું છે અને ગુજરાતમાં 26 જૂન સુધીમાં ચોમાસાના આગમનની સંભાવના છે.અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી એક ટ્રફ (લો પ્રેશર લાઇન) બનેલી છે. આ જ કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. પરંતુ સમગ્ર રાજ્યમાં સત્તાવાર ચોમાસું જાહેર થવામાં હજુ થોડા દિવસો લાગી શકે છે.
તાપમાનમાં કોઈ ખાસ રાહત નહીં
રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ 40.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયા સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આશા નથી.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આશા?
- હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMD ની આગાહી મુજબ…
- 23 જૂન: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.
- 24 અને 25 જૂન: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
સરેરાશ કરતાં ઓછો વરસાદ
1 જૂનથી 22 જૂન સુધીમાં ગુજરાતમાં સરેરાશ 59.2 મિલીમીટર વરસાદ થવો જોઈતો હતો, પરંતુ અત્યાર સુધી માત્ર 14.5 મિલીમીટર વરસાદ જ થયો છે. એટલે કે 76 ટકાની ભારે ઘટ નોંધાઈ છે. જો આગામી થોડા દિવસોમાં ચોમાસું નહીં બેસે, તો જૂન મહિનામાં વરસાદની કુલ ઘટ હજુ વધી શકે છે. ખેડૂતો હાલ ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઓછા વરસાદને કારણે ખરીફ પાકની વાવણી પ્રભાવિત થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 17 જિલ્લાના 52 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગરના ભાવનગર તાલુકામાં સૌથી વધુ 47 મિમી વરસાદ નોંધાયો છે, ત્યારબાદ સુરતના ઉમરપાડામાં 45 મિમી વરસાદ થયો છે. નવસારીના જલાલપોર અને નર્મદાના સાગબારામાં પણ 39 મિમી જેટલો સારો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે, જ્યારે અમદાવાદ અને મહેસાણા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.