સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાંથી દીપડાની ખાલ જપ્ત; હકીકત જાણવા ખાલ દહેરાદૂનની ફોરેન્સિક લેબમાં મોકલાશે!

સુરત રેલવે સ્ટેશન વિસ્તારની એક હોટલમાંથી દીપડાની ખાલ (ચામડું) સાથે બે શખ્સોની ધરપકડ થતાં વન્યજીવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) અને વન વિભાગના સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે સમગ્ર મામલામાં વધુ વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે જપ્ત કરાયેલી ખાલને ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન DRIની ટીમે સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં રહેતા બદી અબ્બાસ સબ્બીરભાઈ અને મોઈની હુસેન હુનેદને હોટલના રૂમમાંથી ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પ્રતિબંધિત દીપડાની ખાલ મોઈની હુસેન પાસેથી મળી આવી હતી. મોઈનીએ કબૂલાત કરી હતી કે આ ખાલ તેને બદી અબ્બાસે આપી હતી. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યા છે.વન વિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેની પાછળ સંડોવાયેલા અન્ય શખ્સો તથા સંભવિત આંતરરાજ્ય નેટવર્કની વિગતો મેળવવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
દહેરાદૂનની ફોરેન્સિક લેબ આપશે મહત્વના પુરાવા
જપ્ત કરાયેલી ખાલનું ડીએનએ પરીક્ષણ દહેરાદૂનની ફોરેન્સિક લેબમાં કરવામાં આવશે. આ તપાસથી દીપડાની ઉંમર, તે કયા જંગલ વિસ્તારમાં વસવાટ કરતો હતો અને તેનો શિકાર અંદાજે ક્યારે કરવામાં આવ્યો હતો તે અંગેની મહત્વપૂર્ણ વિગતો બહાર આવશે. આ વૈજ્ઞાનિક પુરાવા સમગ્ર કેસને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
વન વિભાગના નિરીક્ષણ દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જપ્ત કરાયેલી ખાલમાંથી દીપડાના તમામ નખ કાળજીપૂર્વક કાઢી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે વન્યજીવોના નખ અને દાંતની અંધશ્રદ્ધા તથા ગેરકાયદે બજારમાં ભારે માંગ હોવાને કારણે લાખો રૂપિયામાં વેચાણ થતું હોય છે.આથી વન વિભાગને શંકા છે કે આરોપીઓએ નખ કોઈ અન્ય ગ્રાહકને અલગથી વેચી દીધા હોઈ શકે છે અથવા તો અન્ય સાગરીતો પાસે સંતાડી રાખ્યા હોઈ શકે છે. હવે આરોપીઓના મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR)ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
‘15 વર્ષ જૂની ખાલ’નો દાવો પાયાવિહોણો
કાયદાના સકંજામાંથી બચવા માટે આરોપીઓએ વન વિભાગ સમક્ષ એવો દાવો કર્યો હતો કે આ ખાલ તાજા શિકારની નહીં પરંતુ અંદાજે 15 વર્ષ જૂની છે અને તેમના પિતાના સમયથી ઘરમાં પડી હતી. જોકે, વન વિભાગના નિષ્ણાતોએ આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે.પ્રાથમિક તપાસમાં જ ખાલ માત્ર બેથી ત્રણ મહિના જૂની હોવાનું સામે આવ્યું છે. જેના આધારે તાજેતરમાં જ કોઈ જંગલ વિસ્તારમાં દીપડાનો શિકાર કરીને તેની ચામડી ઉતારવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે દહેરાદૂન લેબનો ડીએનએ રિપોર્ટ આરોપીઓના દાવાની સચ્ચાઈ સામે લાવશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://અમદાવાદના સોલાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં એકસાથે 500 લોકો બીમાર પડતા હડકંપ, ખુદ મેયર દોડતા થઇ ગયા