આવતીકાલથી 4 દિવસ માટે કાલુપુર બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક રૂટ

હાલમાં અમદાવાદમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાબરમતીથી વટવા સુધીના રૂટ પર પાયલોટીંગ અને સેગમેન્ટ લગાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રા. લી. કંપની દ્વારા કરવામાં આવી રહી છે. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત કાલુપુર બ્રિજ એટલે કે મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર બુલેટ ટ્રેન કોરિડોર માટે વિશેષ સેગમેન્ટ ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે ખાસ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22 મે, શુક્રવારથી 25 મે, સોમવાર સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે. આ સમય દરમિયાન કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી કાલુપુર બ્રિજ પર આવેલા નાના સર્કલ સુધીનો આશરે 500 મીટરનો રોડ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. રાત્રિના સમયે મુસાફરી કરતા વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
નરોડા રોડ અને સરસપુર તરફથી આવતો ટ્રાફિક કાલુપુર સર્કલ તરફ જવા માટે સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ, વોરાના રોજા ચાર રસ્તા, ડૉ. આંબેડકર ફ્લાય ઓવર, અસારવા સિવિલ હોસ્પિટલ રોડ, રચના સ્કૂલ રોડ અને ગિરધરનગર ચાર રસ્તા મારફતે બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ઈદગાહ રોડથી કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. બીજી તરફ રખિયાલ અને ગોમતીપુર તરફથી આવતો ટ્રાફિક ગુરુદ્વારા રોડ, ચારતોડા કબ્રસ્તાન રોડ, રખિયાલ ચાર રસ્તા, મુર્ગા સર્કલ અને એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન મારફતે અનુપમ બ્રિજ અને સારંગપુર સર્કલ થઈ કાલુપુર તરફ જઈ શકશે.
રિલીફ રોડ અને દિલ્હી દરવાજા તરફથી નરોડા રોડ અને સરસપુર તરફ જવા માંગતા વાહનચાલકો માટે પણ વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. તેઓ કાલુપુર સર્કલથી ફ્રૂટ માર્કેટ, પાંચકુવા, ઈદગાહ રોડ, બાબુ જગજીવનરામ બ્રિજ, ગિરધરનગર ચાર રસ્તા અને અસારવા સિવિલ હોસ્પિટલ રોડ થઈ નરોડા રોડ તરફ જઈ શકશે. આ ઉપરાંત આસ્ટોડિયા અને રાયપુર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન, વાણિજ્ય ભવન, કાંકરિયા રોડ અને અનુપમ બ્રિજ મારફતે રખિયાલ તરફ જઈ શકશે.
ટ્રાફિક પોલીસે ખાસ જણાવ્યું છે કે નરોડા GCS હોસ્પિટલ રોડ તરફથી આવતો ટ્રાફિક સરસપુર તથા ગોમતીપુર જવા માટે કાલુપુર બ્રિજનો ઉપયોગ કરી શકશે. તે જ રીતે સરસપુર અને ગોમતીપુર તરફથી આવતો ટ્રાફિક પણ નરોડા રોડ તરફ જવા માટે કાલુપુર બ્રિજ પરથી અવરજવર કરી શકશે. શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક દબાણ વધી શકે છે, તેથી નાગરિકોને અગાઉથી આયોજન કરીને મુસાફરી કરવા અને ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://ભારતનું પાપ ટળ્યું! પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા, પાક.માં ખલબલી