PM બોલ્યા-મહિલા અનામત બિલ પાસ ન થયું, માફી માગું છું:જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, જનતા તેમને સજા જરૂર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે 8:30 વાગ્યાથી મહિલા અનામત પર દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘આ બિલમાં સુધારો થઈ શક્યો નથી. હું તમામ માતાઓ-બહેનોની માફી માંગુ છું.’
તેમણે કહ્યું, ‘મારા માટે દેશહિત સર્વોપરી છે, જ્યારે કેટલાક લોકો માટે પક્ષનું હિત સર્વસ્વ બની જાય છે, પક્ષનું હિત દેશના હિત કરતાં મોટું થઈ જાય છે. ત્યારે નારી શક્તિને જ તેનો ભોગ બનવું પડે છે.’
PMએ કહ્યું કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે જેવા વિરોધ પક્ષો આ ભ્રૂણહત્યાના ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે. નારી શક્તિના અપરાધી છે. જે લોકોએ અડધી વસતીનો અધિકાર છીનવી લીધો, તેમને આ પાપની સજા મળશે.
લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સંબંધિત બંધારણ (131મો સુધારો) બિલ પસાર થઈ શક્યું ન હતું. આ બિલમાં લોકસભાની બેઠકો 543થી વધારીને 816 કરવાની અને મહિલાઓને 33% અનામત આપવાનો પ્રસ્તાવ હતો.
બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે તેને પસાર કરવા માટે 352 મતોની જરૂર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, PMએ શનિવારે કેબિનેટ મીટિંગમાં કહ્યું કે વિપક્ષે મહિલા અનામતનું સમર્થન ન કરીને ભૂલ કરી છે અને તેમને તેના પરિણામો ભોગવવા પડશે.
વડાપ્રધાને કહ્યું- આ મહિલાઓ દેશની સેવા કરવા માંગે છે પરંતુ પરિવારવાદીઓના મનમાં અસુરક્ષાની ભાવના બેઠી છે. સીમાંકન પછી મહિલાઓનું કદ વધતું હોવાથી તેમણે બિલનો વિરોધ કર્યો. દેશની નારી શક્તિ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આ પાપ માટે માફ નહીં કરે.
PMએ કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સીમાંકન પર સતત જુઠ્ઠાણું બોલી રહ્યા છે. તેઓ આ બહાને વિભાજનની આગને ભડકાવવા માંગે છે. આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રાજનીતિ અંગ્રેજો પાસેથી વારસામાં મળી છે.
PMએ કહ્યું- કોંગ્રેસે હંમેશા દેશમાં તિરાડ પાડનારી ભાવનાઓને હવા આપી છે. સીમાંકન પર જુઠ્ઠાણું ફેલાવ્યું કે કેટલાક રાજ્યોને નુકસાન થશે. અમે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ ઓછું નહીં થાય. તેમ છતાં કોંગ્રેસ, DMK, TMC જેવા પક્ષો માનવા તૈયાર ન થયા.
PMએ કહ્યું- કોંગ્રેસ પોતે જ ઘણા રાજ્યોમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. તે પરોપજીવીની જેમ અન્ય પક્ષોના સહારે જીવંત છે. તેઓ એ પણ નથી ઈચ્છતા કે પ્રાદેશિક પક્ષોની તાકાત વધે. આ બિલને રોકીને તેમણે રાજકીય ષડયંત્ર કર્યું છે. બધા વિપક્ષ આટલા વર્ષોથી દર વખતે એ જ બહાના બનાવતા આવ્યા છે.
મોદીએ કહ્યું- દેશ તેમની પેટર્ન સમજી ચૂક્યો છે. આ બિલના વિરોધનું મોટું કારણ છે કે આ પરિવારવાદી પક્ષોનો ડર. તેમને ડર છે કે મહિલા સશક્ત થઈ તો તેમની પાર્ટી ખતરામાં આવી જશે. તેઓ નહીં ઈચ્છે કે તેમના પરિવારની બહારની મહિલાઓ આગળ વધે.
PMએ કહ્યું- આ ભ્રૂણહત્યા માટે આખો વિપક્ષ ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે. નારી શક્તિના અપરાધી છે. કોંગ્રેસ મહિલા આરક્ષણથી જ નફરત કરે છે. તેમણે હંમેશા તેને રોક્યું છે. આ વખતે પણ કોંગ્રેસ અને સાથી પક્ષોએ મહિલા આરક્ષણને રોકવા માટે એક પછી એક નવા જૂઠાણાનો સહારો લીધો.
PM મોદીએ કહ્યું- ક્યારેક નંબરોને લઈને તો ક્યારેક કોઈ અન્ય રીતે, કોંગ્રેસ અને તેના સાથીઓએ દેશને ગેરમાર્ગે દોર્યો. આ પક્ષોએ ભારતની નારી સામે પોતાનો અસલી ચહેરો સામે લાવી દીધો છે. પોતાનો મુખોટો ઉતારી દીધો છે. મને વ્યક્તિગત રીતે આશા હતી કે કોંગ્રેસ દાયકાઓ જૂની ભૂલ સુધારશે પરંતુ કોંગ્રેસે મહિલાઓના પક્ષમાં ઊભા રહેવાની તક ગુમાવી દીધી.
PMએ કહ્યું- આ કાયદો 40 વર્ષથી અટકેલા મહિલાના હકને 2029ની આગામી લોકસભા ચૂંટણીથી તેનો હક આપવા માટેનો સુધારો હતો. આ બિલ નવી તકો, નવી ઉડાન આપવા, તેની સામેથી અવરોધો દૂર કરવાનો મહાયજ્ઞ હતો. દેશની 50% એટલે કે અડધી વસતીને અધિકાર આપવાનો પ્રામાણિક પ્રયાસ હતો.
મોદીએ કહ્યું- આ બિલ સમયની માંગ છે. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બધા રાજ્યોની મહિલા શક્તિમાં સમાન વધારો કરવાનો પ્રયાસ હતો. રાજ્યની વસતી ગમે તેવી હોય, બધાની સમાન પ્રમાણમાં શક્તિ વધારવાનો પ્રયાસ હતો. આ પ્રામાણિક પ્રયાસની કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ગૃહમાં આખા દેશ સામે ભ્રૂણહત્યા કરી દીધી છે.
PMએ કહ્યું- જે પક્ષોએ બિલનો વિરોધ કર્યો, તેમને હું સ્પષ્ટપણે કહીશ કે આ લોકો મહિલા શક્તિને હળવાશથી લઈ રહ્યા છે. તેઓ ભૂલી રહ્યા છે કે 21મી સદીની મહિલા બધા પર નજર રાખી રહી છે. તે તેમની મંશા જોઈ રહી છે.
વડાપ્રધાને કહ્યું- મહિલા અનામતને રોકીને વિપક્ષે જે પાપ કર્યું છે, તેની તેમને સજા ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું અપમાન કર્યું છે. જનતાની સજાથી તેઓ બચી શકશે નહીં. ગૃહમાં આ કાયદો કોઈ પાસેથી કંઈ છીનવી રહ્યો ન હતો. કંઈક ને કંઈક આપવાનો હતો.