રાજકોટમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 7 શખ્સોએ ઈન્સ્ટાગ્રામથી ફસાવી, ઘર-હોટલ અને કારમાં કુકર્મ

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરના જંગ્લેશ્વર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી અને માનવતાને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. અહીં રહેતી માત્ર 15 વર્ષની એક માસૂમ સગીરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવીને 7 જેટલા નરાધમોએ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. આરોપીઓએ એકસંપ થઈને સગીરા પર તેના જ ઘરે, હોટલમાં અને ચાલતી કારમાં છરીની અણીએ અવારનવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની સત્તાવાર ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે એક સગીરા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, ભોગ બનનાર સગીરાની જ એક બહેનપણીએ તેને વાપરવા માટે એક મોબાઈલ ફોન આપ્યો હતો. આ ફોનની અંદર એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલેથી જ ઓપન હતું. આ એકાઉન્ટ પર સગીરાનો સંપર્ક ‘ડેવિલ’ નામના એક પ્રોફાઇલ ધારક સાથે કરાવવામાં આવ્યો હતો. ડેવિલે શરૂઆતમાં સગીરા સાથે મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી અને ધીમે-ધીમે તેને પોતાના વિશ્વાસમાં લઈને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. આ ઇન્સ્ટાગ્રામની મિત્રતા બાદ સગીરા અન્ય આરોપીઓના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેનો ભયાનક શારીરિક ત્રાસ શરૂ થયો હતો.
ગત 29 માર્ચ 2026 ના રોજ મુખ્ય આરોપી ડેવિલે સગીરાને મળવા માટે બોલાવી હતી. સગીરાને લેવા માટે ડેવિલે પોતાના સાથીદાર સાહીલ ઉર્ફે ઝેરીને મોટરસાયકલ લઈને મોકલ્યો હતો. સાહીલ આ ૧૫ વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને જંગ્લેશ્વર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં મુખ્ય આરોપી ડેવિલ પહેલેથી જ હાજર હતો, જેણે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી, ડરાવી-ધમકાવીને પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, આ નરાધમોની હિંમત એટલી વધી ગઈ હતી કે તેઓ સગીરાને અલગ-અલગ હોટલોમાં અને ચાલતી કારમાં પણ ફેરવતા હતા અને ત્યાં છરી બતાવીને કુકર્મ આચરતા હતા. આ નરકયાતનામાંથી માંડ-માંડ બચેલી સગીરાએ આખરે હિંમત ભેગી કરીને પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. દીકરીની દર્દનાક કહાની સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તુરંત જ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને તમામ નરાધમોને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.