4 દિવસમાં 1200+ ફ્લાઇટ્સ રદ, સરકાર બેકફૂટ પર:વીકલી રેસ્ટ નિયમ તાત્કાલિક પાછો ખેંચાયો; દેશભરમાં ઇન્ડિગો પેસેન્જર પરેશાન

સરકારે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોને રોસ્ટર (ડ્યુટી ચાર્ટ) નિયમોમાંથી રાહત આપી છે. એરલાઇન શુક્રવારે સતત ચોથા દિવસે ક્રૂ મેમ્બર્સ (પાયલટ સહિત અન્ય ફ્લાઇટ સ્ટાફ)ની અછતનો સામનો કરતી જોવા મળી. આને કારણે શુક્રવારે દિલ્હી, બેંગલુરુ, પુણે, હૈદરાબાદ સહિતના ઘણા એરપોર્ટ પર 500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે.

એરપોર્ટ પર સ્થિતિ બદતર છે. યાત્રીઓને ફ્લાઇટ્સની જાણકારી મળી રહી નથી. પાણી, ભોજન અને જરૂરી સામાન માટે લોકો સ્ટાફ સાથે ઝઘડતા જોવા મળ્યા. ઘણી જગ્યાએ મારામારી જેવી સ્થિતિ સર્જાઈ. ઘણા એરપોર્ટ્સ પર લોકો 24-24 કલાકથી ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. સીડીઓ અને ખુરશીઓ પર બેસીને રાત વિતાવવા મજબૂર છે.

દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ આજે રાત્રે 12 વાગ્યા સુધી રદ કરી દેવામાં આવી છે. ગોવા એરપોર્ટ પર એક મહિલા યાત્રીએ જણાવ્યું, ‘અમે સવારે 5 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ. એરપોર્ટ આવ્યા પછી ખબર પડી કે ફ્લાઇટ રદ થઈ ગઈ છે. ન કોઈ મેલ આવ્યો, ન કોઈ મેસેજ.’

  • દિલ્હી IGI: દિલ્હીમાં સૌથી વધુ 225 ફ્લાઈટ્સ રદ થઈ છે. ઇન્ડિગોએ દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરનારી તમામ ઘરેલું ફ્લાઈટ્સ આજે રાત્રે 12 વાગ્યા સુધી રદ કરી દીધી છે. ટર્મિનલ પર હજારો સૂટકેસ પડ્યા રહ્યા. ઘણા મુસાફરોને 12 કલાકથી વધુ સમય પોતાનો સામાન લેવામાં લાગ્યો. ભીડ એટલી વધી ગઈ કે મુસાફરો ફ્લોર અને સીડીઓ પર બેસીને કલાકો સુધી ફ્લાઈટ્સની રાહ જોતા રહ્યા.
  • મુંબઈ: ઘણી ફ્લાઈટ્સ રદ થયા બાદ ઇન્ડિગો કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી.
  • રાયપુર: વૃદ્ધો અને નાના બાળકોને ખુરશીઓ પર કલાકો સુધી રાહ જોવી પડી. કેટલાક મુસાફરો સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા.
  • પુણે: અહીંના એરપોર્ટ પર આજે સવારથી 32 ફ્લાઈટ્સ રદ થઈ ગઈ. રદ થયેલી ફ્લાઈટ્સ બાદ મુસાફરોનો સામાન ટ્રોલીઓમાં જમા રહ્યો. મુસાફરોને સામાન પાછો લેવામાં લાંબો સમય રાહ જોવી પડી.
  • હૈદરાબાદ: અહીં 32 ફ્લાઈટ્સ રદ થઈ છે. ફ્લાઈટ્સ રદ થવા અને વિલંબને કારણે દેશભરમાં હજારો મુસાફરો પરેશાન છે.
  • બેંગલુરુ: બેંગલુરુમાં 102 ફ્લાઇટ્સ રદ થઈ છે. અહીં પણ લોકો એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોઈને પાછા ફરતા જોવા મળ્યા.
  • આ તરફ ઇન્ડિગોએ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પાસેથી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) ના નિયમોમાંથી 10 ફેબ્રુઆરી 2026 સુધી છૂટ આપવા અપીલ કરી છે. કંપનીએ આશ્વાસન આપ્યું છે કે ત્રણ મહિનાની અંદર તેની ઓપરેશનલ સ્થિતિ ફરીથી સામાન્ય થઈ જશે.
  • DGCA એ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા. પ્રથમ તબક્કો 1 જુલાઈના રોજ લાગુ થયો.
  • જ્યારે 1 નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો. નવા નિયમોમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે પાઇલટ્સ અને ક્રૂને પૂરતો આરામ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કારણોસર, એરલાઇન કંપનીઓ પાસે પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અચાનક અછત સર્જાઈ છે. DGCA એ જણાવ્યું કે નવેમ્બરમાં ઇન્ડિગોની કુલ 1,232 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં FDTL નિયમોને કારણે 755 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.​​​​​​
  • નાગરિક ઉડ્ડયન મંત્રીએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું- જલ્દી સમસ્યા ઉકેલો
  • નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગુરુવારે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે નવા નિયમોને લઈને તૈયારી માટે આટલો સમય હતો, તેમ છતાં પરિસ્થિતિ કેવી રીતે બગડી ગઈ.
  • નાયડુએ એરલાઇનને નિર્દેશ આપ્યો કે ફ્લાઇટ ઓપરેશન વહેલી તકે સામાન્ય કરવામાં આવે અને હવાઈ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો ન કરવામાં આવે. આ ઉપરાંત, વિલંબ અથવા કેન્સલેશનની સ્થિતિમાં યાત્રીઓને હોટેલ, ભોજન અને અન્ય સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *