અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

અમદાવાદ શહેરમાં નવરાત્રિના પર્વ વચ્ચે એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અમરાઈવાડી વિસ્તારના ગુલાબનગરમાં જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ એક યુવક પર ચાકુથી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અમદાવાદમાં જ્યાં એક તરફ નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અમરાઈવાડી વિસ્તારમાં લોહિયાળ હત્યાકાંડ સામે આવ્યો છે. અમરાઈવાડીના ગુલાબનગર ખાતે જૂની અદાવતની અદાવત રાખીને ચાર ઇસમોએ એક યુવકને ટાર્ગેટ બનાવ્યો હતો. આરોપીઓએ ગરબાના માહોલ વચ્ચે યુવક પર જીવલેણ હુમલો કરી શરીર પર ચાકુના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત નીપજ્યું હતું. આ નિર્મમ હત્યાના પગલે ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ચારેય આરોપીઓને પકડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *