સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

રાજ્યભરમાં ફરી એકવાર ડિસેમ્બરની ઠંડીનો અનુભવ શરૂ થયો છે. બેવડી ઋતુ વચ્ચે સવારમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. આજે રાજ્યમાં 11.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડી શહેર બન્યુ છે. આ ઉપરાંત અમદાવાદમાં 15.8 ડિગ્રી સાથે તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં લધુતમ તાપમાનમાં ફેરફારના જોવા મળી રહ્યો છે. ઠંડીનું જોર ફરી એકવાર વધ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, આજે 11.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યુ છે. આ ઉપરાંત અમદાવાદમાં તાપમાનનો પારો 15.8 ડિગ્રી નોંધાયો છે, વડોદરામાં 14 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન, ભુજમાં 15.4 ડિગ્રી તાપમાન, ડાંગમાં 14.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 16.4 તાપમાન, ગાંધીનગરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, આગામી 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાન સુકૂ રહેવાની વકી છે.
હાલમાં ઉત્તર ભારતમાં તીવ્ર શીતલહેરની શરૂઆત છે. જેના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. શોપિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યુ છે, જ્યારે દિલ્લીનું લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી સુધી પહોંચ્યુ છે.