અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોણે આપી? સામે આવ્યું આ નામ

બુધવારનો દિવસ અમદાવાદની અનેક શાળાઓ અને તંત્ર મતે દોડધામ ભર્યો રહ્યો છે. વાસ્તવમાં આજે એટલે કે 17-12-2025ના રોજ અમદાવાદની અનેક ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. વિગતો મુજબ આ શાળાઓને મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં “અમે બદલો લઈશું” જેવા શબ્દો લખેલા હતા, જેને કારણે તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું. જોકે શાળાઓને આ ઈમેલ મળતા જ ત્વરિત પોલીસને જાણ કરાઇ. આ તરફ પોલીસ પણ બોમ્બ સ્ક્વોડની ટીમો સાથે સ્થળ પર પહોંચી ગઈ અને કોઈ જોખમ ન રહે તે માટે વિદ્યાર્થીઓ તથા સ્ટાફને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. હાલ તમામ સ્થળોએ તપાસ ચાલુ છે.
સમગ્ર મામલે અમદાવાદ પોલીસના સંયુક્ત કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, પોલીસ ટીમો સંબંધિત શાળાઓમાં તપાસ કરી રહી છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં સુરક્ષાને લઈને કોઈ બેદરકારી ન રાખવામાં આવી. જે શાળાઓને આ ધમકી મળી તેમાં મહારાજા અગ્રસેન સ્કૂલ, ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ અને જાબેર સ્કૂલનો સમાવેશ થાય છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈમેલ પાછળ ખાલિસ્તાન સાથે જોડાયેલા તત્વો હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધમકીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તાર તથા સાબરમતી જેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળ્યો છે તે 12 સ્કુલોના નામનું લિસ્ટ
- ઝેબર સ્કૂલ, થલતેજ
- મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
- DAV ઈન્ટરનેશલ, મકરબા
- નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
- ઝાયડસ સ્કૂલ, વેજલપુર
- CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
- આવિષ્કાર સ્કૂલ, કલોલ
- જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર
- અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર
- ઉદગમ સ્કૂલ, થલતેજ
- DPS, બોપલ
- તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ
- ક્યારે ક્યારે ક્યાં ધમકી મળી
- અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી
- 4 ડીસેમ્બર 2025 : ગુજરાત હાઇકોર્ટ ને ઈમેલ દ્વારા કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનો ધમકી ભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો
- 29 સપ્ટેમ્બર 2025 : અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ
- 22 જુલાઈ 2025 : અમદાવાદ એરપોર્ટ અને સુરતની 2 શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
- 6 મે 2024 : અમદાવાદની કુલ 16 શાળાઓને મેલથી મળી હતી ધમકી