માવઠા સાથે ગુજરાતમાં ફરીથી પડશે હાડ થીજવતી ઠંડી, જાણો હવામાન સાથે અંબાલાલની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસર જોવા મળતા ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન ઊંચું ગયું છે. રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો બપોરનાં સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે. આ બાબતે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં પલટો આવશે તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગનાં મૌસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સુકૂ રહેશે. મંગળવારે ગુજરાતનાં નલિયામાં સૌથી ઠંડુગાર રહેવા પામ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. અમદાવાદમાં 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.અભિમન્યુ ચૌહાણે તાપમાનમાં ઘટાડાને લઈ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. તેમજ આજથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 14.4, રાજકોટમાં 15, સુરેન્દ્રનગરમાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 17.5, વડોદરામાં 15.8, સુરતમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું છે.