અમદાવાદમાં આજથી ભૂક્કા બોલાવશે વરસાદ, અંબાલાલની આગાહી- 22 જુલાઈથી આ વિસ્તારોને મેઘરાજા બરાબર ધમરોળશે

મોડેથી ચોમાસું બેસ્યા બાદ વચ્ચે બ્રેક પડ્યો અને હવે ફરીથી ગુજરાતમાં મેઘરાજા ગરજવા માંડ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ લેટેસ્ટ આગાહી કરી છે. તેમણે શું કહ્યું તે ખાસ જાણો. 

દેશના 60થી 70  ટકા ભાગોમાં વાદળો છવાયા છે. આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દિલ્હીમાં બુધવાર સુધી ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. પારો ગગડી શકે છે. દેશના ઉત્તર પશ્ચિમ, પૂર્વ, મધ્ય, અને પૂર્વોત્તર ભાગમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ સક્રિય થાય તેવી આશંકા છે. ઉપગ્રહથી મળેલી તસવીરોમાં દેશના મોટા ભાગ પર મોનસૂન વાદળો જોવા મળ્યા છે. પંજાબથી લઈને પૂર્વોત્તર ભારત સુધી વાદળોની એક લાંબી  પટ્ટી જોવા મળી છે. જમ્મુ કાશ્મીર ઉપર ખુબ જ ઠંડા વાદળો જોવા મળ્યા છે. આ વાદળોનું તાપમાન માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ આવા વાદળ તેજ તોફાની ગતિવિધિઓ અને ભારે વરસાદની શક્યતાનો સંકેત આપે છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે. ભૂસ્ખલન અને અચાનક પુરનું પણ જોખમ છે. પંજાબ, રાજસ્થાન અને યુપીમાં પણ અનેક સ્થાનો પર ભારે વરસાદની શક્યતા છે.   

અમદાવાદમાં રવિવારે મોડી સાંજે  અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. આજે પણ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં હજુ પણ સીઝનનો સરેરાશ 3.87 ઈંચ વરસાદ પડ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે આ સમયે સીઝનનો સરેરાશ 14..64 ટકા સાથે સીઝનનો 47 ટકા વરસાદ વરસ્યો હતો. 

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ આગાહી કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 22 જુલાઈથી ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ​ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી માહોલ રહેશે. ​મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ​જો સિસ્ટમ મજબૂત બનશે તો 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.  મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સાબરમતી નદીમાં પણ નવા પાણીની આવક થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં ૩ ઇંચથી વધુ વરસાદની ધારણા છે.  

અંબાલાલે કહ્યું કે ​જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ૪ ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના રહેલી છે. 24 થી 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ પડતાં નાની નદીઓમાં પૂર આવી શકે છે. ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *