વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

 દેશ-વિદેશમાં કરોડો શ્રદ્ધાળુઓ જેના દર્શને આવે છે તેવા વૃંદાવનના પરમ પૂજ્ય સંત પ્રેમાનંદ મહારાજના ‘શ્રી હિત રાધા કેલિકુંજ આશ્રમ’ને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના પ્રમુખ ફલાહારી મહારાજે એક સનસનીખેજ પત્ર જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે કેટલાક તત્વો સંત પ્રેમાનંદ મહારાજની પવિત્ર છબીનો દુરુપયોગ કરી રહ્યા છે. આ પત્રમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ₹5 કરોડની લાલચ આપવાથી માંડીને વૃંદાવનમાં સક્રિય ભૂમિ માફિયા, કથિત કિડની કૌભાંડ અને ગુમ થયેલા બાળકો જેવા અતિ ગંભીર આરોપો લગાવીને સમગ્ર પ્રકરણની CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તપાસની માંગણી કરવામાં આવી છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના રહસ્યમય સંજોગોમાં થયેલા અવસાન બાદ થઈ છે. શિષ્યના મૃત્યુને પગલે કેલિકુંજ આશ્રમ સાથે સંકળાયેલી ગતિવિધિઓ પર સવાલો ઊભા થયા હતા. ફલાહારી મહારાજે આ સંદર્ભમાં પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આશ્રમની આસપાસ અસામાજિક અને માફિયા પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, જેનાથી સંતના જીવન અને સનાતન પરંપરા બંને સામે જોખમ ઊભું થયું છે.

વિરાટ કોહલીને ₹5 કરોડની લાલચ અને રાજસ્થાન કનેક્શન

ફલાહારી મહારાજે પોતાના પત્રમાં સૌથી મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું છે કે એક ચોક્કસ જૂથ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ₹5 કરોડની લાલચ આપવામાં આવી હતી. આ જૂથનો દાવો પ્રેમાનંદ મહારાજનું પ્રમોશન કરવાનો હતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે:

રાજસ્થાન સ્થિત એક ખાનગી કંપનીએ વિરાટ કોહલી સમક્ષ ₹5 કરોડની ઓફર મૂકી હતી.

એ જ કંપની સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકો હવે સાધુ-સંતોનો વેશ ધારણ કરીને આશ્રમમાં પ્રવેશી ચૂક્યા છે.

ભગવા વસ્ત્રો ધારણ કરી આ તત્વો આશ્રમની આડમાં મોટા પાયે મિલકતોની લે-વેચ અને પ્રોપર્ટી ડીલિંગના વેપારમાં ગળાડૂબ બન્યા છે.

યમુના ખાદરની જમીન અને અધિકારીઓની મિલીભગત

પત્રમાં વૃંદાવન સ્થિત ન્યૂ બેલવન આશ્રમ નજીકના યમુના પૂરના મેદાનો (યમુના ખાદર)ની સરકારી જમીનોના વેચાણ અંગે પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, સરકારી અધિકારીઓની કથિત મિલીભગતથી પૂર નિયંત્રણ હેઠળની અતિસંવેદનશીલ જમીનો બારોબાર વેચી દેવામાં આવી રહી છે. સંત પ્રેમાનંદ મહારાજના નામનો ઓથ લઈ ભૂમિ માફિયાઓ કરોડો રૂપિયાના જમીન સોદા પાડી રહ્યા છે. આ ઉપરાંત પત્રમાં માનવ અંગોની ગેરકાયદે હેરાફેરી (કિડની ચોરી) અને બાળકો ગુમ થવા પાછળ પણ આવા માફિયા તત્વોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.ફલાહારી મહારાજે પ્રેમાનંદ મહારાજ પ્રત્યે આદર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ ત્યાગ, તપસ્યા અને અન્નનો ત્યાગ કરનારા સાચા સંત છે. તેમણે લાગણીસભર શબ્દોમાં કહ્યું, “સનાતન ધર્મ અને હિન્દુ સમાજને સંત પ્રેમાનંદ મહારાજની જરૂર છે. જો તેમને જરૂર પડે તો હું મારી કિડની દાન કરવા પણ સહર્ષ તૈયાર છું. પરંતુ કેટલાક માફિયાઓ તેમના પવિત્ર નામને કલંકિત કરી રહ્યા છે, તેથી તેમણે આવા તત્વોથી તાત્કાલિક અંતર જાળવી લેવું જોઈએ.” ફલાહારી મહારાજે પૂજ્ય બાબાને વૃંદાવન છોડી પવિત્ર ગોવર્ધન ગિરિરાજજીમાં નિવાસ કરવા જાહેર અપીલ પણ કરી છે.

વિશ્વભરના સનાતનીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા પૂજ્ય પ્રેમાનંદ મહારાજની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ ગણાવીને ફલાહારી મહારાજે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ તાકીદે તેમને Z-Plus (ઝેડ-પ્લસ) શ્રેણીની સુરક્ષા પૂરી પાડવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. સાથે જ આશ્રમમાં ઘૂસેલા વેશધારી માફિયાઓ, જમીન કૌભાંડ અને શિષ્યના મોતના રહસ્ય પરથી પડદો ઉંચકવા સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવાની સ્પષ્ટ માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *