સ્થાનિક સ્વરાજ્યની 9 હજાર 263 બેઠકો માટે મતદાનનો પ્રારંભ, 25 હજાર 537 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ જિલ્લામાં EVM ડિસ્પેચિંગની કામગીરી સંપન્ન કરવામાં આવી છે. દરેક સેન્ટર પર ઝોનલ ઓફિસરોએ પ્રિસાઈડિંગ ઓફિસરોને EVM અને VVPAT મશીનોની ફાળવણી કરી દીધી છે. જેની સંપૂર્ણ ચકાસણી બાદ સ્ટાફ નિર્ધારિત મતદાન મથકો પર પહોંચ્યા છે. 15 મહાનગરપાલિકાની કૂલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઈ છે. તો અન્ય વોર્ડમાં આજે મતદાન યોજાશે. 84 નગરપાલિકાની બે હજાર 324 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ થતા કાલે 603 બેઠકો પર મતદાન હાથ ધરાશે. જ્યારે જિલ્લા પંચાયતની એક હજાર 90 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થતા એક હજાર 38 બેઠકો પર અને તાલુકા પંચાયતની પાંચ હજાર 234 પૈકી ચાર હજાર 976 બેઠકો પર મતદાન થશે.