બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં ‘ભૂતો ધુણાવવા’ ભારે પડ્યા; વિજ્ઞાન જાથાએ પોલીસ અને હાઇકોર્ટના ખખડાવ્યા દ્વાર

રાજકોટમાં યોજાયેલા બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને હવે મોટો વિવાદ ઊભો થયો છે. દરબારમાં કથિત રીતે ‘ભૂતો ધુણાવવા’ના મામલે વિજ્ઞાન જાથા ભારે રોષમાં છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ બાબા બાગેશ્વર અને કાર્યક્રમના આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કમર કસી લીધી છે.
બાબા બાગેશ્વરે અંધશ્રદ્ધાની તમામ હદો વટાવી દીધી હોવાનો આક્ષેપ કરીને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આયોજકો તેમજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ગુનો દાખલ કરવા માટે પોલીસ અરજી કરી છે. એટલું જ નહીં, આ ગંભીર બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પણ સુઓમોટો દાખલ કરાવવા માટે વિજ્ઞાન જાથા દ્વારા કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
‘પોતાના જ માણસો બોલાવી ધૂણવાનું ષડયંત્ર રચાયું’
વિજ્ઞાન જાથાએ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ એક પૂર્વયોજિત ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધાનો માહોલ ઊભો કરવા માટે પોતાના જ અંગત માણસોને બોલાવવામાં આવ્યા હતા. આ માણસો પાસે પબ્લિક વચ્ચે ધૂણવાનું નાટક કરાવીને લોકોની ભાવનાઓ સાથે રમત રમવામાં આવી છે. આ પ્રકારના કૃત્યો સમાજમાં અંધશ્રદ્ધા અને કુરિવાજોને પ્રોત્સાહન આપે છે, જેથી તેમની સામે સખત ગુનો નોંધાવો જોઈએ.
આ વિવાદમાં કાર્યક્રમના આયોજક મંગેશ દેસાઈના એક નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મંગેશ દેસાઈએ બચાવ કરતા નિવેદન આપ્યું હતું કે, “અમે લોકોને ધૂણવા માટે કોઈ ઇન્જેક્શન આપ્યા ન હતા.” આવા બેજવાબદાર અને હાસ્યાસ્પદ નિવેદન સામે પણ વિજ્ઞાન જાથાએ સખત વાંધો ઉઠાવ્યો છે. જયંત પંડ્યાએ જણાવ્યું છે કે આ પ્રકારના નિવેદનો કરીને આયોજકો પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, અને આ નિવેદન વિરૂદ્ધ પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.