મહાકુંભની ઘટનાથી ખૂબ જ દુઃખી છું,….’, ભાગદોડની ઘટના બાદ PM મોદીની પહેલી પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025)એ મૌની અમાવસ્યાને દિવસે અમૃત સ્નાનનું અનેરુ મહત્વ હોવાથી મંગળવારે (28 જાન્યુઆરી 2025)ની મોડી રાત્રે ભારે ભીડ એક્ઠી થઈ ગઈ હતી. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગની ઘટનામાં સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 16થી વધુના મોતની આશંકા છે ત્યારે આ ઘટના પર પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
મહાકુંભમાં મૌની અમાવસ્યા પહેલા નાસભાગથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગને કારણે અનેક લોકો વિખુટા પડી ગયા છે. જો કે ઘટના બાદ તંત્રએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓની સુરક્ષા કડક કરવામાં આવી છે. ત્યારે હવે આ ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રદ્ધાળુઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તેટલી મદદ પૂરી પાડી રહ્યા છીએ. હું આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું’.નોંધનીય છે કે, મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિલટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્તોને હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યા છે આ દરમિયાન સીએમ યોગી સતત બેઠક કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નાસભાગની ઘટના અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં, વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે ચાર વખત ફોન પર વાતચીત કરી છે.
અગાઉ મહાકુંભમાં નાસભાગની ઘટનાથી અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે અખાડા પરિષદે કહ્યું છે કે, ‘ભીડ ઓછી થઈ ગયા પછી અખાડા અમૃત સ્નાન માટે જશે’. સંગમ વિસ્તારમાંથી લોકોને દૂર કરવા માટે બેરિકેડિંગ દૂર કરવામાં આવ્યું છે. જોકે, સંગમ કિનારે હજુ પણ લોકોની ભીડ છે. નાસભાગ પછી પણ લોકો કોઈક રીતે સંગમ કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધુઓ- સંતો લોકોને સંગમ ઘાટ પર ન જવાની અપીલ કરી રહ્યા છે.