વડોદરા-સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર, પોલીસ-બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. મ્યુનિ. કમિશનર અને મેયરના મેઇલ પર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે. મેઇલ મળતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ડોગ-બોમ્બ સ્કવોડ સહિતના લોકો કચેરી ખાતે પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાને પણ આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની કચેરીને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો, જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ મેઈલ મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડની ટીમો સ્થળ પર પહોંચી હતી. સુરક્ષા નિષ્ણાતો દ્વારા મહાનગરપાલિકાની કચેરીના દરેક વિભાગ, રૂમ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તેની તપાસ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ધમકીભર્યો મેઈલ કોણે મોકલ્યો છે તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *