પ્રાંતિજ નગરપાલિકામાં હડકંપ, પ્રમુખ સામે સભ્યોનો વિદ્રોહ, ભાજપના 15 કોર્પોરેટરોએ આપ્યું રાજીનામુ

સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કોર્પોરેટરોએ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિજ્ઞેશ પંડ્યા પર મનમાની અને એકહથ્થું વહીવટ કરવાનો આરોપ લગાવ્યો છે અને 15 કોર્પોરેટરે રાજીનામા આપી દીધા છે
રાજીનામું આપનાર કોર્પોરેટરોએ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિજ્ઞેશ પંડ્યા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોર્પોરેટરોનો આરોપ છે કે, નગરપાલિકામાં મનમાની રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ચૂંટાયેલા સભ્યોની અવગણના કરવામાં આવી રહી છે.
પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે. આવા સમયે 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાની ચર્ચાએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે. જોકે રાજીનામા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.એકસાથે 15 સભ્યોના બળવાને કારણે ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે. આ સાગમટે વિરોધ પાછળના કારણો અને આખા પ્રકરણમાં કોની દોરીસંચાર છે, તે જાણવા સંગઠન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
રાજીનામાનો પત્ર વાયરલ થયા બાદ સ્થાનિક રાજકારણમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. હવે પક્ષના ઉચ્ચ નેતાઓ સમગ્ર મામલે શું નિર્ણય લે છે અને નારાજ કોર્પોરેટરોને મનાવવા માટે શું પ્રયાસો થાય છે તેના પર સૌની નજર છે. મળતી માહિતી મુજબ ભાજપ સંગઠન દ્વારા આ આંતરિક વિખાદને સત્ત્વરે થાળે પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રમુખ પદની પસંદગી વખતે શરૂઆતથી જ પક્ષમાં ખેંચતાણનો માહોલ હતો, જે હવે આ સામૂહિક રાજીનામાં સ્વરૂપે બહાર આવ્યો છે. આ ઘટનાથી પ્રાંતિજ (Prantij) ના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું સ્થાનિક સંગઠન આટલી મોટી સંખ્યામાં થયેલા બળવાને કેવી રીતે શાંત પાડે છે.પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાના મુદ્દે રાજકીય તાપમાન વધી ગયું છે. હવે આ વિવાદનો અંત કેવી રીતે આવે છે અને પક્ષની અંદરની નારાજગી કેટલી દૂર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.