વહેલી સવારથી જ ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ; ચોમાસા જેવો માહોલ, રાજકોટમાં ડમરીઓ ઉડી!

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે ગુરુવારે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં કમોસમી માવઠાનું સંકટ વધ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ બન્યો છે. જ્યારે રાજકોટમાં ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે.જવીજ સાથે કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. દ્વારાકાના વિસ્તારોમાં પડેલા વરસાદની વાત કરીએ તો ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 0.16 ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 0.12 ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઓખા અને આસપાસના વિસ્તારોમાં પણ 0.08 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભરઉનાળે વરસાદી ઝાપટાં પડતા લોકોને ગરમીથી આંશિક રાહત તો મળી છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.

ગઈકાલે (ગુરુવાર) રાજકોટમાં બપોરના સમયે અચાનક પવનનું જોર વધ્યું હતું. અંદાજે 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદી માહોલ સર્જાયો હતો. પવનને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો, જે ગરમીમાં શેકાતા લોકો માટે રાહતનો સંદેશ લાવ્યો હતો. રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા પવન ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળી ગઈ છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. જ્યારે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી લઈને આવેલા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ખુલ્લામાં રાખેલો માલ પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કચ્છ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. ખાવડા, ભુજ, સુખપર, માનકુવા અને માધાપર જેવા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદી છાંટા પડ્યા હતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આગામી સમયમાં વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. બીજી બાજુ ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડે, કારણ કે હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *