ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: 18 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું માવઠું જોવા મળવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે 7 એપ્રિલના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી કરી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે બની રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ બે સિસ્ટમ સક્રિય હોવાથી આગામી બે દિવસ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ અને અચાનક વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

છેલ્લા બે અઠવાડિયામાં રાજ્યમાં આવેલા ત્રણ માવઠાં દરમિયાન વરસાદ અને વીજળીના કારણે પાંચ લોકોના મોત થયા છે. સુરતમાં મિની વાવાઝોડા દરમિયાન અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટ્યા હતા. તાજેતરમાં પાટણ જિલ્લાના મુલુસણ ગામમાં વીજળી પડતાં 20 વર્ષની યુવતીનું મોત થયું હતું અને પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. ગાંધીનગરના દહેગામ વિસ્તારમાં પણ એક બાળકીનું વીજળી પડતાં મૃત્યુ થયું હતું. આ ઘટનાઓ દર્શાવે છે કે કુદરતી આફતો સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે અને લોકો એ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું જોઈએ.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર, સાબુ-તેલથી લઈને ઢગલો વસ્તુઓ થશે મોંઘી! કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *