ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના જડબામાંથી જીત ઝૂંટવી:U-19 એશિયા કપમાં નવમી વખત ભારત ચેમ્પિયન

અંડર-19 એશિયા કપની આ ફાઈનલ રોમાંચના તમામ રેકોર્ડ તોડી નાખવાવાળી રહી! એક સમયે જ્યારે પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી રહી હતી અને ભારતની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ હતી, ત્યારે લોઅર ઓર્ડરમાં 10મા નંબરે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ મેચનું ચિત્ર જ બદલી નાખ્યું.

338 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ 252 રનમાં જ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને જીતવા માટે માત્ર 2 વિકેટની જરૂર હતી અને ભારતીય કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ હતી. પરંતુ નંબર-10 પર આવેલા મોહિત ઉલ્વાએ મેદાન પર ઉતરતા જ આક્રમક અંદાજ અપનાવ્યો. તેણે મનલ ચૌહાણ (47) સાથે મળીને 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ત્યારબાદ છેલ્લી વિકેટ માટે ચિગુરુપતિ વેંકટ સાથે અણનમ 30 રન જોડીને અશક્ય લાગતી જીતને હકીકતમાં ફેરવી દીધી.

આ રોમાંચક જીત સાથે ભારતે રેકોર્ડ નવમી વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ અગાઉ કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ શાનદાર 80 રન અને ઓપનર આર્યવીર સેહવાગે 58 રનની પ્રભાવશાળી ઇનિંગ રમીને ઇનિંગનો મજબૂત પાયો નાખ્યો હતો.

છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 8 રન જોઈતા હતા. અહમદ હુસૈનના ઓવરના પાંચમા બોલ પર ચિગુરુપતિ વેંકટે એક રન લીધો. આ પછી છેલ્લા બોલ પર મોહિત ઉલ્વાએ લોંગ ઑફની ઉપરથી ચોગ્ગો ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી દીધી.

મોહિતે 26 બોલમાં અણનમ 49 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જીત પછી મોહિત મેદાન પર તિરંગો લપેટીને દોડતા નજરે પડ્યો. ભારતીય ખેલાડીઓએ મેદાન પર પહોંચીને તેને ભેટી લીધો અને જીતની ઉજવણી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *