
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતાં જ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓને તગેડવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે તેમાં ભારતીયોનો વારો પણ પડી ગયો છે. અમેરિકાએ ટેક્સાસથી યુએસ આર્મીના વિમાનમાં પાર્સલ કરેલા 104 ભારતીયો અમૃતસર પહોંચ્યા હતા. આ 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે જે આજે અમદાવાદ પહોંચ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમના વતનમાં રવાના થયા છે.
અમેરિકામાં કુલ 1.30 કરોડ લોકો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમાં સવા સાત લાખ ભારતીયો છે. આ સત્તાવાર રીતે અપાયેલો આંકડો છે. રાજ્યસભાના સાંસદ રાજીવ શુકલાએ બુધવારે કરેલી ટ્વિટ પ્રમાણે, સંસદની વિદેશી બાબતોની કમિટીમાં સરકારે આપેલી માહિતી પ્રમાણે અમેરિકા તમામ સવા સાત લાખ ભારતીયોને પાછા ધકેલવાનું છે. આ સવા સાત લાખ ભારતીયોમાં ક્યા રાજ્યના કેટલા છે તેની વિગતો સરકારે આપી નથી પણ 25 ટકાથી વધારે એટલે કે લગભગ 2 લાખ લોકો ગુજરાતીઓ હોવાનું કહેવાય છે.
રાજીવ શુકલાએ બહુ મહત્ત્વની વાત કરી છે કે, આ લાખો લોકો વીસ વર્ષથી વધારે સમયથી અમેરિકામાં રહે છે અને સારી કમાણી કરીને જીવે છે. ભારતમાં તેમનું કશું બચ્યું જ નથી ત્યારે એ લોકો ભારત આવીને શું કરશે ? આ લોકો બિચારા રાતોરાત ગરીબ થઈ ગયા.
શુકલાનો સવાલ એકદમ વ્યાજબી છે તેથી ઘણાંને ચિતા થઈ ગઈ પણ એટલી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ટ્રમ્પનું આ નાટક લાંબું ચાલવાનું નથી. શુકલા કહે છે એ રીતે અત્યારે પણ તમામ સવા સાત લાખ ભારતીયો રાતોરાત ગરીબ નથી થઈ ગયા કેમ કે અમેરિકાએ બધાંને રાતોરાત પાછા ધકેલી નથી દીધા. હજુ પહેલી ખેપ આવી છે અને 104 લોકો જ આવ્યા છે. અમેરિકા બસ્સો-બસ્સો લોકોને પાછા મોકલે તો પણ સવા સાત લાખ લોકોને પાછા ભારત ધકેલવા માટે 3625 ખેપ મારવી પડે. એક પણ દિવસ પાડયા વિના રોજ જ અમેરિકા ભારતીયોને ધકેલ્યા કરે તો પણ સવા સાત લાખ લોકોને પાછા મોકલતાં 10 વર્ષ લાગે. ટ્રમ્પ 10 વર્ષ સત્તામાં રહેવાના નથી કેમ કે તેમની આ બીજી ટર્મ છે. અમેરિકાના બંધારણ પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ માટે પ્રમુખપદે રહી શકે છે એ જોતાં ચાર વર્ષ પછી ટ્રમ્પ વિદાય થઈ જશે. ટ્રમ્પના બદલે આવનારા નવા પ્રમુખ ટ્રમ્પ જેવો સનકી હોય એ જરૂરી નથી.
ટ્રમ્પ પણ નવા નવા પ્રમુખ બન્યા છે એટલે પ્રચાર દરમિયાન પોતે આપેલાં વચનો પૂરાં કરવાની ધૂન માથે સવાર છે તેમાં આ ખેલ માંડીને બેસી ગયા છે પણ આ ખેલ લાંબો નહીં ચલાવી શકે. અમેરિકાના રાજકીય વિશ્લેષકો માને છે કે, ટ્રમ્પ મહિનામાં ને બે મહિનામાં તો હાંફી જવાના ને ઓપરેશન ડીપોર્ટેશનનાં પાટિયાં પડી જવાનાં. વિશ્લેષકો તેના માટે બે કારમોને જવાબદાર માને છે. પહેલું કારણ, ઓપરેશન ડીપોર્ટેશનના કારણે અમેરિકા પર પડનારો આર્થિક બોજ છે. બીજું કારણ ગેરકાયદેસર રીતે રીતે વિદેશીઓને પાછા ધકેલી દેવાથી અમેરિકામાં ઉભી થનારી કામદારોની અછત છે.
