ભારતને પત્ર નહીં મોકલે ટ્રમ્પ, 20 ટકાથી ઓછો હશે ટેરિફ; ટ્રેડ ડીલ મુદ્દે બની રહી છે સહમતિ

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે પ્રસ્તાવિત ટેરિફને 20% થી નીચે લાવી શકે છે. આ ટ્રેડ ભારતને આ ક્ષેત્રના અન્ય દેશો કરતાં વ્યાપારિક રીતે ઘણી સારી સ્થિતિમાં મૂકશે. અહેવાલો અનુસાર, અમેરિકા આ અઠવાડિયે ભારતને ટેરિફ વધારાની ઔપચારિક સૂચના આપશે નહીં, જ્યારે ઘણા અન્ય દેશોને 50% સુધીના અણધાર્યા ટેરિફના પત્રો મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પ પહેલાથી જ લગભગ 20 દેશોને ટેરિફ લાદવા અંગે પત્રો મોકલી ચૂક્યા છે. જેમાં ખૂબ જ કડક ચેતવણીઓ અને ધમકીઓ પણ આપી છે. જો કે ભારતને આવો કોઈ પત્ર મોકલવાનો ઈરાદો નથી. તેનું કારણ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો છે.

ભારત સાથે વેપાર કરાર થયા પછી ટેરિફ ૧૦થી ૨૦ ટકા વચ્ચે રહી શકે

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો સાથે ટ્રેડ વોર શરૂ કરી હોય તેમ સોમવારથી એક પછી એક દેશોને જંગી ટેરિફ નાંખવાના પત્રો મોકલી રહ્યા છે ત્યારે ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ભારત સાથે વેપાર કરાર થયા પછી ટેરિફ ૧૦થી ૨૦ ટકા વચ્ચે રહી શકે છે. ટ્રમ્પ તેનાથી વધુ ટેરિફ નહીં લગાવે. બ્રાઝિલના પૂર્વ પ્રમુખ બોલસોનારોની તરફેણ કરતાં ટ્રમ્પે બ્રાઝિલ ઉપર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે કેનેડા પર ૩૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ સાથે ટ્રમ્પે કેનેડાને વળતો ટેરિફ નહીં નાખવા ચેતવણી આપી છે. બીજીબાજુ બ્રાઝિલના પ્રમુખ લુલાએ ટ્રમ્પને રેસિપ્રોકલ ટેરિફની ધમકી આપી છે.

કેનેડા પર ટેરિફની જાહેરાત કરતી વખતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, દરેક દેશને ટેરિફનો પત્ર મોકલવામાં આવે તે જરૂરી નથી. તમારા માટે માત્ર એટલું જાણવું જરૂરી છે કે અમે અમારા ટેરિફ નક્કી કરી રહ્યા છીએ. અમે હજુ વધુ દેશો પર પણ ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છીએ, પરંતુ જે વેપાર ભાગીદારો છે તેમના પર આ ટેરિફ ૧૫થી ૨૦ ટકા સુધી જ હશે. એટલે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદો થઈ જાય તો ટેરિફ ૨૦ ટકાથી વધુ રહેવાની શક્યતા નથી. 

ભારતીય ટીમ ફરી એક વખત અમેરિકા જશે

ભારત પર ટેરિફ અંગે ટ્રમ્પે નવા સંકેત આપતા કહ્યું કે, ભારત પર અમેરિકાના ટેરિફ ચીનના સરેરાશ ૫૧ ટકા અને બાંગ્લાદેશના ૩૫ ટકાથી વધુ નહીં હોય. અમેરિકાએ ચીનના અયોગ્ય વેપાર અંગે ટેરિફ નાંખ્યો છે અને કહ્યું કે, ચીન ૧૨ ઓગસ્ટ સુધીમાં સોદો નહીં કરે તો આગામી સમયમાં વધુ ટેરિફ લગાવવામાં આવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે હાલ વેપાર સોદો ઘોંચમાં પડયો હોવાનું મનાય છે. ભારતીય ટીમ ફરી એક વખત અમેરિકા જવાની છે અને ત્યાં અમેરિકન અધિકારીઓ સાથે આ ડીલ અંગે ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે કૃષિ, ઓટો અને ડેરી ઉદ્યોગ અંગે મામલો અટક્યો છે.

કેનેડિયન ઉત્પાદનો પર ૧ ઑગસ્ટ ૨૦૨૫થી લાગુ થશે

બીજી બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા સામાન ઉપરનો ટેરિફ ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરવાની જાહેરાત કરી છે. આ ટેરિફ અમેરિકામાં પ્રવેશ કરનારા કેનેડિયન ઉત્પાદનો પર ૧ ઑગસ્ટ ૨૦૨૫થી લાગુ થશે. ટ્રમ્પે કેનેડાની જવાબી કાર્યવાહી અને વેપાર સોદામાં આવી રહેલા અવરોધોના જવાબમાં જંગી ટેરિફની જાહેરાત કરી છે. આ સાથે ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી છે કે તે અમેરિકા પર વળતી કાર્યવાહી કરતા ટેરિફ વધારશે તો અમેરિકા તેટલા પ્રમાણમાં ટેરિફ વધારી દેશે.પ્રમુખ ટ્રમ્પે ફેબુ્રઆરીમાં કેનેડા પર ૨૫ ટકા ટેરિફ નાંખ્યા હતા જ્યારે હવે ટેરિફ વધારીને ૩૫ ટકા કરવાનું કારણ ગણાવતા કહ્યું કે, કેનેડા વિશેષરૂપે અમેરિકામાં ફેન્ટેનાઈલ ડ્રગની ગેરકાયદે દાણચોરી અને અયોગ્ય વેપાર પ્રથાઓ પર સહયોગ નહીં કરી રહ્યું હોવાથી જંગી ટેરિફ લગાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *