આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી T20, મેટ્રો ટ્રેનોના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સીરીઝ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે શુક્રવાર 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં આ સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ચોથી મેચ લખનૌમાં ખરાબ વાતાવરણને કારણે કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આજની મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે. જો ભારત આજની મેચ જીતી જાય છે, તો તે સીરીઝ 3-1થી પોતાના નામે કરી લેશે અને સાથે જ આ ભારતની સતત 14મી T20 ઇન્ટરનેશનલ સીરીઝ જીત હશે. જ્યારે સાઉથ આફ્રિકાની નજર આ મેચ જીતીને સીરીઝને 2-2થી બરાબર કરવા પર રહેશે.

મેચને લઈને ભારતીય ટીમ ખેલાડીઓ ગઇકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચને ધ્યાને લઈને અમદાવાદ મેટ્રો ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે, મેટ્રો ટ્રેનો રાતે 12.30 વાગ્યા સુધી ચાલશે. સામાન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનોનો સમય સવારે 6.20 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધીનો જ હોય છે પણ મેચને ધ્યાને લઈને આ સમય વધારી દેવામાં આવ્યો છે. પરંતુ રાતે 10 વાગ્યાથી 12.30 વાગ્યાની વચ્ચે માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકશે. જો કે ત્યાંથી મેટ્રો બંને કોરિડોર માટે કાર્યરત રહેશે. ઉપરાંત ગાંધીનગર જવા માટે પણ મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી જવા માટે બે વધારાની મેટ્રો ચલાવવામાં આવશે.

સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર અને ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી છે. મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમનો મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી સુધીનો માર્ગ અને કૃપા રેસિડેન્સી ટી થી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચમી T20 આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર થશે, અને લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ટીવી પર જોઈ શકાશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 35 T20 મેચ રમાઈ ચૂકી છે, જેમાં 20 મેચ ભારતે જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ 13 મેચ જીતી છે. આંકડાની રીતે તો ભારત આગળ છે, પરંતુ મેદાન પર ખરો નિર્ણય શુક્રવારે રાત્રે આવશે. ચાહકોને હાઇ-વોલ્ટેજ મેચની અપેક્ષા છે. ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો મોટાભાગના આખેલાડીઓ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. જો કે કેપ્ટન સૂર્યકુમાર યાદવની બેટ આ સીરીઝમાં હજુ પણ ચાલ્યું નથી,જે ટીમ માટે ચિંતાનો વિષય છે. આ સિવાય વાઇસ કેપ્ટન શુભમન ગિલ પણ ઇજાને કારણે આ સીરીઝમાંથી બહાર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *