રાજ્યમાં આજે ગણેશ વિસર્જન, જાણો અમદાવામાં ક્યાં કરી શકાશે વિસર્જન, કયા માર્ગ રહેશે

ગણેશ ચતુર્થીના પર્વનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. મહાનગરપાલિકાઓ દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.
શહેરમાં આ વખતે નાની-મોટી 2 લાખથી વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના થઈ હતી. શુક્રવારે મ્યુનિ.એ રિવરફ્રન્ટ સહિત વિવિધ જગ્યાએ તૈયાર કરેલા 48 કુંડમાં તથા સ્થળ પર વિસર્જન કરાશે. અત્યાર સુધીમાં મ્યુનિ.નાં કુંડોમાં 12 હજાર મૂર્તિઓનું વિસર્જન કરાયું છે.
156 પંડાલે તો જાતે 15 ફૂટનાં કુંડ બનાવ્યાં છે, જે સામાન્ય કુંડ જેવાં નથી. ચાંપાનેર સોસાયટીમાં 10 ફૂટની મૂર્તિ માટે સ્થળ પર 15 ફૂટનો કુંડ બનાવ્યો છે. મૂર્તિને ક્રેઇનથી કુંડમાં મૂકી દૂધ-જળ અભિષેક કરાશે.
અમદાવાદમાં નારાયણપુરા, સાબરમતિ, નવરંગપુરા, રાણીપ, ચાંદલોડિયા, પાલડી, ચાંદખેડા, વસ્ત્રાલ, નિકાલ, રામોલ, સૈજપુર, સરદારનગર, વટવા, મણિનગર સહિતના બીજા વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરી શકાશે.
ગણેશોત્સવની ઉજવણી બાદ હવે 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે અમદાવાદ શહેરમાં ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો અને વાહનો રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે શહેરના કેટલાક મુખ્ય માર્ગો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને કારણે 25 સપ્ટેમ્બરે વાહનચાલકોએ પોતાના રૂટમાં ફેરફાર કરવો પડશે.
25 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યાથી રિવરફ્રન્ટ સહિતના મુખ્ય માર્ગો વાહનચાલકો માટે બંધ રહેશે. ગણેશ વિસર્જનનો સમગ્ર રૂટ પણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે વિસર્જનના રૂટ પર વાહનો પાર્ક કરી શકાશે નહીં. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વિસર્જન માટે નીકળેલી ગણેશ પ્રતિમાઓના સરઘસને સરળતાથી પસાર થવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.