‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની ‘ભાઈબંધી’ ઉઘાડી પાડી

ગુજરાતના રાજકારણમાં એક નવો જ વિવાદ ઊભો થયો છે. જેતપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની જીભ લપસી ગઈ હતી અને તેમણે જાહેરમાં કહી દીધું કે “કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, એટલે અમે તેમને ઉમેદવાર આપ્યા.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આમ આદમી પાર્ટી (AAP) એક્શનમાં આવી ગઈ છે. AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ આ નિવેદનને પકડીને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને બંને પાર્ટીઓ વચ્ચે મિલીભગત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, જેતપુરના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ભાજપના ધોરાજી-જેતપુરના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ મોટો ભાંગરો વાટ્યો હતો. તેમણે જાહેરમાં એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે, “કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા.” આનો સીધો અર્થ એ નીકળે છે કે ચૂંટણીમાં કોંગ્રેસ પાસે જ્યારે ઉમેદવારો નહોતા, ત્યારે ભાજપે પોતાના માણસો આપીને કોંગ્રેસ તરફથી ઊભા રાખ્યા હતા. આ નિવેદન વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને આડે હાથ લીધા છે. ઈટાલિયાએ કહ્યું કે, ભાજપના ધારાસભ્યએ જાતે જ માની લીધું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હતા એટલે ભાજપે તેમને ઉમેદવાર આપ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ સહિત અનેક જિલ્લાઓમાં કોંગ્રેસે ભાજપના જ માણસોને ટિકિટો આપી હતી.
ગોપાલ ઈટાલિયાએ આ ષડયંત્ર પાછળનું કારણ જણાવતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આ ખેલ ખેલી રહ્યા છે. તેમનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ જગ્યાએ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતવો ન જોઈએ અને ભાજપ વિરુદ્ધ પડતા મત વેડફાઈ જવા જોઈએ.
ઈટાલિયાએ ભૂતકાળનો દાખલો આપતા કહ્યું કે, અગાઉ કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યએ પણ કહ્યું હતું કે, “કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત આપજો, પણ આમ આદમી પાર્ટીને મત આપતા નહીં.” આ ઉપરાંત, તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યાં AAPના ઉમેદવાર નહોતા, ત્યાં ભાજપ કઈ રીતે બિનહરીફ જીતી ગયું? કોંગ્રેસે ત્યાં પોતાના ઉમેદવારો કેમ ઊભા ન રાખ્યા?
છેલ્લે ઈટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં આ જ બધું ચાલી રહ્યું છે. પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે, ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે અને એટલે જ આવા ષડયંત્રો સામે આવી રહ્યા છે.
આશા ભોસલે ની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા, ચાહકોમાં શોકની લાગણી: https://www.instagram.com/reel/DXEf5o-DcLS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો મામલો, માતાને હોસ્પિટલમાંથી રજા અપાતાં પૂછપરછ શરૂ