રાજ્યના વાતવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અમદાવાદમાં છૂટછવાયો વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની વધુ અસર જોવા મળી શકે છે. ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાાહી છે. તો અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. જો કે હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસમાં 30 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે જ્યારે રાત્રે 14થી નીચે તાપમાન જતાં રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાત અને દિવસના તાપમાનમાં મોટો તફાવત હોવાના કારણે ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. રાત્રે ઠંડી અને દિવસમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીએ પણ દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે. 8 ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક વધારાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસ રહેશે.