રૂપિયો-યુઆન પાડશે ખેલ…ડોલર માટે ખતરાની ઘંટડી! હાથી-ડ્રેગનની જોડી લાવશે વૈશ્વિક વેપારમાં મોટો બદલાવ?

આ વખતે બ્રિક્સનું આયોજન ભારતમાં થયું છે. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી રહ્યા છે. લગભગ 7 વર્ષ બાદ તેઓ ભારત આવશે. આ અગાઉ તેઓ 2019માં ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે ચેન્નાઈ પાસે મહાબલીપુરમમાં પ્રધાનમંત્રી મોદી સાથે બીજી અનૌપચારિક શિખર વાર્તા કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા શેર કરાયેલી જાણકારી મુજબ જિનપિંગ 12 સપ્ટેમ્બરના રોજ ભારત પહોંચશે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. બંને નેતાઓ વચ્ચે થનારી આ બેઠક ભારત અને ચીન વચ્ચેના સંબંધો માટે ખુબ મહત્વની રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીનના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લાંબા સમય સુધી ચાલેલા ગતિરોધના કારણે સંબંધો વણસ્યા હતા. જો કે છેલ્લા કેટલાક ઘટનાક્રમો પર નજર ફેરવીએ તો જાણવા મળે કે બંને દેશો વચ્ચે સંબંધ ધીરે ધીરે સુધરી રહ્યા છે.
બદલાશે બિઝનેસ મોડલ?
- ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવ્યું છે કે બંને દેશો એક રણનીતિક આર્થિક વાર્તા શરૂ કરવાનું વિચારે છે.
- જેમાં બંને પક્ષોમાં વેપાર સંલગ્ન મુદ્દાઓ પર ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે.
- તેમાં વેપાર ખાદ્ય, ચીનના બજાર સુધી ભારતીય કંપનીઓની પહોંચ અને ભારતમાં રોકાણ જેવા મુદ્દાઓ સામેલ રહેવાની શક્યતા છે.
- એવું પણ મનાઈ રહ્યું છે કે આ દરમિયાન વેપાર સંલગ્ન કરન્સી અંગે પણ ચર્ચા થઈ શકે છે.
- અત્રે જણાવવાનું કે બંને પક્ષોમાં આ દરમિયાન ભારતીય અને ચાઈનીઝ વેપારીઓ માટે વિઝા સંબંધિત પ્રતિબંધો ઉપર પણ ચર્ચા થઈ શકે છે.
- ભારત માટે ચીન સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે કુલ વેપાર 151.10 અબજ ડોલર આસપાસ છે.
- જેમાં ચીનથી આયાત લગભગ 131.63 અબજ ડોલર અને ચીનને નિકાસ 19..47 અબજ ડોલર આસપાસ છે.
- આવામાં જો બ્રિક્સમાં બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં વેપાર પર સહમતિ બને તો લગભગ 151 અબજ ડોલરનો વેપાર રૂપિયા અને યુઆનમાં થવાનો શરૂ થશે.
- તેનાથી અમેરિકાને એક મોટો ઝટકો મળી શકે છે.
- આમ પણ અમેરિકા અને ચીન વચ્ચે પહેલેથી જ ખુબ તણાવ છે અને આવામાં ચીન પણ ડોલરમાં વેપાર કરાવાથી બચવાનું વિચારતું હશે.
G20 સમિટમાં નહતા આવ્યા જિનપિંગ
- જાણકારો મુજબ બ્રિક્સ સંમેલનમાં શી જિનપિંગની ભાગીદારી ભારત માટે એક મહત્વનો સંકેત છે.
- અત્રે જણાવવાનું આ અગાઉ તણાવને પગલે 2023માં નવી દિલ્હીમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લેવા જિનપિંગ ભારત આવ્યા નહતા.
- જો કે વર્ષ 2024માં પીએમ મોદી અને જિનપિંગે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન રશિયાના કઝાનમાં મુલાકાત કરી હતી.
- એવું કહેવાય છે કે તે ચર્ચા બાદ બંને પક્ષોએ તે વર્ષે નવેમ્બરમાં પૂર્વી લદ્દાખમાં એલએસી સાથે સૈનિકોની વાપસી પ્રક્રિયા પૂરી કરી હતી.
- ત્યારબાદ સંબંધોને સ્થિર કરવા માટે તબક્કાવાર અનેક પગલાં ભર્યા.
- જેના પરિણામે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ સેવાની ફરીથી શરૂઆત થઈ.
- વિઝા પ્રતિબંધોમાં ઢીલ અપાઈ અને કૈલાશ માનસરોવર તીર્થયાત્રાની પણ ફરી શરૂઆત થઈ.
ચિંતાઓની લાંબી યાદી
ભારત અને ચીન વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ હજુ પણ કેટલાક ખાસ મુદ્દાઓ ચિંતાઓની યાદીમાં છે. જેમાં ભારતીય વ્યવસાયિકોને વિઝા આપવાનો ઈન્કાર અને તેમના પર પ્રતિબંધ, સરહદ પાર નદી ડેટા શેર કરવામાં પડકારોની સાથે સાથે મે 2025માં ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીન અને પાકિસ્તાનની સક્રિય મિલિભગત જેવા મુદ્દાઓ સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત તરફથી ચીન સામે આ ચિંતાઓ ઉઠાવવામાં આવી શકે છે. એલએસી પર તણાવ ઘટાડવા મુદ્દે પણ વાતચીત થઈ શકે.