જીફા-૨૦૨૪ ના એવોર્ડની તારીખ જાહેર, માર્ચની આ તારીખે નારાયણી હાઇટ્સ ખાતે યોજશે

Oplus_131072


ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જે તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે જ્યારે અમે જીફા-૨૦ર૪ ની આનંદભેર એ જાહેરાત કરી રહ્યા છીએ. છેલ્લાં આઠ વર્ષોથી અવિરત રીતે આયોજિત થતો અને ગુજરાતી ફિલ્મ જગતમાં તથા ગુજરાતીઓના હૃદયમાં વિશિષ્ટ સ્થાન ધરાવતો જીફા એવોર્ડ, આઠ વર્ષની વિજયી સફરના અંતે હવે નવમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. ગુજરાત ટુરિઝમ પ્રેઝન્ટ જીફા-૨૦૨૪ નો ભવ્ય અને જાજરમાન એવોર્ડ સમારંભ ૮ માર્ચ, શનિવારે, અમદાવાદની નારાયણી હાઈસ્ટ હોટલ ખાતે યોજાશે જે ગુજરાત ફર્સ્ટ અને ડિઝાઇનલક્સ સોલર ના સહકાર સાથે યોજાશે.


જીફા હવે કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. વર્ષો સુધી સતત ગુજરાતી કલાકારો અને કસબીઓને સન્માન આપી, જીફાએ સાબિત કરી દીધું છે કે તે ગુજરાતી ફિલ્મો, કલાકારો, નિર્દેશકો, લેખકો, સંગીતકારો, વિગેરે ને સમર્પિત છે. જેમણે ગુજરાતી સિનેમાને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, તેમને જીફા તેમની મહેનતની યોગ્ય કદર રૂપે એવોર્ડ આપી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષથી, જીફા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને આગળ ધપાવવા માટે સતત કાર્યરત છે.


ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રતિભાશાળી કલાકારોને ૨૩ થી વધુ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરી, જીફા તેમને યોગ્ય મંચ અને પ્રોત્સાહન આપે છે. આજે, ગુજરાતી મનોરંજન જગત જોરશોરથી ફૂલી ફાલી રહ્યું છે અને ૨૦૨૪ માં લગભગ ૧૦૦ જેટલી ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રજૂ થઈ છે ત્યારે આ આનંદના અવસરે, જીફાએ ફરી એકવાર ભવ્ય એવોર્ડ સમારંભ યોજવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ આગામી ૮ માર્ચ, શનિવારે, અમદાવાદની નારાયણી હાઈસ્ટ હોટલ ખાતે યોજાવાનો છે.


દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રિટીઓનો જમાવડો, અનેક ધમાકેદાર પરફોર્મન્સથી જલસો પડી જશે તેવી જીફાએ ખાત્રી આપી છે. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (જીફા) ૨૦૨૪ માટે ફિલ્મોને શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉપલબ્ધી માટેનાં નામાંકન મંગાવવામાં આવ્યાં હતા અને ૨૦ ફેબ્રુઆરી ના રોજ જ્યુરી દ્વારા પસંદ પામેલ કલાકાર – કસબીઓ ના નામાંકન જાહેર કરવામાં આવશે.
૮ માર્ચ, શનિવાર ના રોજ રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવશે, તો આવો સાથે મળી ને ગરવી ગુજરાતના સિનેમાની આ સિધ્ધી ને સાથે મળીને ઉજવીએ, ગુજરાતી સિનેમા ને એક ચોક્કસ દિશામાં આગળ લઇ જવાના ભાગ રૂપે સહયોગ આપવા બદલ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ (જીફા) સર્વે ગુજરાતની ફિલ્મ પ્રેમી જનતાનો નો આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *