દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ

રાજસ્થાનના દૌસા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના રેસ્ટ એરિયા પાસે બુધવારે (1 જુલાઈ) વહેલી સવારે અંદાજે 2થી 3 વાગ્યાની વચ્ચે હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસ બેકાબૂ બની માર્ગ પરથી નીચે ખાઈમાં પડી ગઈ. ત્યારબાદ બસના પાછળના ભાગમાં આગ પણ લાગી ગઈ. અકસ્માત થતાં બસમાં ચીસો અને અરાજકતા ફેલાઈ ગઈ.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસની ઉપરની બર્થ પર સૂતા મુસાફરો નીચે પડી ગયા. ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા, જ્યારે 8 લોકોનાં મોત થયાના અહેવાલ છે. અકસ્માતની જાણ થતાં જ કોલવા પોલીસ, એમ્બ્યુલન્સ અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ.
પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે દૌસા જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા. કેટલાક મુસાફરો પોતાની રીતે પણ બસમાંથી બહાર નીકળી શક્યા હતા. અકસ્માત બાદ થોડા સમય પછી બસમાં આગ લાગી હતી, જેના કારણે વધુ ગભરાટ ફેલાયો હતો. જોકે, સમયસર મોટાભાગના મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અંદાજે 20થી 25 ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારી સારવાર માટે ઉચ્ચ સ્તરની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું જણાવાયું છે.ઘટનાની જાણ થતાં વધારાના પોલીસ અધિક્ષક યોગેન્દ્ર ફૌજદાર, પોલીસ ઉપાધીક્ષક ધર્મેન્દ્ર કુમાર, કોટવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભગવાન સહાય શર્મા, ઉપખંડ અધિકારી સંજુ મીના તેમજ તહસીલદાર ગજાનન મીના જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી. અધિકારીઓએ ડૉક્ટરોને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના નિર્દેશ આપ્યા. દૌસા જિલ્લા કલેક્ટર ડૉ. સૌમ્યા ઝા અને પોલીસ અધિક્ષક પીયૂષ દીક્ષિત પણ જિલ્લા હોસ્પિટલ પહોંચી ઘાયલોની સ્થિતિ વિશે માહિતી મેળવી.