T20 World Cup 2026: આખરે ઝૂક્યું પાકિસ્તાન, ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ની મેચ 15 ફેબ્રુઆરીએ નિર્ધારિત સમય મુજબ રમાશે. પાકિસ્તાન સરકારે સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને મેચ રમવા માટે ઔપચારિક મંજૂરી આપી, જેનાથી ઘણા દિવસોથી ચાલી રહેલી ગતિરોધનો અંત આવ્યો. PCB ચેરમેન મોહસીન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફને ICC, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને અન્ય સભ્ય દેશો સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ અંગે માહિતી આપી હતી. આ પછી સરકારે તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી પાકિસ્તાન ટીમને મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો હતો.

પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે તે તેની સરકારની સલાહ પર ભારત સામે મેચ નહીં રમે, જેના કારણે સમગ્ર ટુર્નામેન્ટ પર શંકા ઉભી થઈ હતી. જોકે, ICCના મક્કમ વલણ બાંગ્લાદેશની અપીલ અને સતત વાટાઘાટોને પગલે પાકિસ્તાને પીછેહઠ કરી હતી. પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026માં ભારત સાથે રમવા માટે સંમત થયું છે. નિર્ધારિત સમય મુજબ, મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમવાની છે. લાહોરમાં થયેલી બેઠક બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે ICC સમક્ષ ઘણી માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી કેટલીક સ્વીકારવામાં આવી છે.

બાંગ્લાદેશને 2026 T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. લાહોરની બેઠકમાં એવી માંગ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવા બદલ વળતર આપવામાં આવે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ માટે સંમતિ આપી છે. વળતર તરીકે બાંગ્લાદેશને અંડર-19 વર્લ્ડ કપ અને મહિલા ક્રિકેટ વિશ્વ કપના યજમાન અધિકારો આપવામાં આવી શકે છે. બીજી બાજુ, પાકિસ્તાને ICC આવકમાં તેના હિસ્સામાં વધારો કરવાની માંગ કરી હતી. અહેવાલો અનુસાર, ICC આવકમાં તેનો વર્તમાન હિસ્સો 5.75 ટકા છે, જે લગભગ 34-35 મિલિયન ડોલરની સમકક્ષ છે. ICC એ એમ પણ કહ્યું છે કે તે આ માંગણી પર વિચાર કરશે.

ભારત અને પાકિસ્તાન 2012થી દ્વિપક્ષીય શ્રેણી રમ્યા નથી. પાકિસ્તાને દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી હતી પરંતુ ICC એ આ માંગણીને નકારી કાઢી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જણાવ્યું છે કે બે દેશો વચ્ચે શ્રેણીનું આયોજન તેના અધિકારક્ષેત્રમાં નથી. 2026ના T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકાના તટસ્થ સ્થળે હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાશે. 2025ના ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બંને બોર્ડ હાઇબ્રિડ મોડેલ પર સંમત થયા હતા. ત્યારથી ભારત-પાકિસ્તાન મેચ તટસ્થ સ્થળોએ રમાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *