સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત: ટ્રક પાછળ ઇકો ઘૂસતા ૩ના કરૂણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ પાસે એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. રોડ પર ઉભેલા એક ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માત અને ત્યારબાદ બનેલી એક વિચિત્ર ઘટનામાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ અને પાનવા ગામ વચ્ચેના હાઇવે પર આજે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર એક ટરબો ટ્રક ઉભો હતો, તે જ સમયે પાછળથી આવી રહેલી એક ઇકો ગાડી ધડાકાભેર આ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર બે લોકોનું ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનામાં એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી હતી. અકસ્માત સર્જાયા બાદ ડરી ગયેલો ટ્રકનો ક્લીનર ત્યાંથી બચવા માટે નજીકના ખેતરમાં ભાગવા ગયો હતો. જોકે, કાળ જાણે તેનો પીછો કરી રહ્યો હોય તેમ, ખેતરમાં જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે લગાવવામાં આવેલા ઝટકા મશીનના વાયરના તે સંપર્કમાં આવી ગયો હતો. હાઈવોલ્ટેજ કરંટ લાગવાના કારણે ક્લીનર પણ ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આમ, આ સમગ્ર દુર્ઘટનામાં કુલ ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા હતા.
હાઇવે પર થયેલા આ ભીષણ અકસ્માત અને ખેતરમાં યુવકના મોતને પગલે આસપાસના લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી. જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ. ખડીયા અને પીએસઆઇ વી.જે. માલવિયા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.