ડાયમંડ સિટી સુરતમાં આકાશી આફત, 8 કલાકમાં 10 ઈંચથી જળબંબાકારમાં ડૂબી ગયું સુરત! શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ

સુરતમાં મેઘરાજાની મહેર નહીં, પરંતુ તંત્રની બેદરકારીનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાંખી છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગરનાળા હોય, મુખ્ય માર્ગો હોય કે શાળાઓની આસપાસનો વિસ્તાર ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના પાંડેસરાના પ્રેમ નગર અને કૃષ્ણ નગરમાં ભેદવાડ ખાડી બન્ને કાંઠે વહેતી થતા પાણી ભરાયા છે. ઘૂંટણ સુધીના પાણીમાં લોકો ફસાયા, જ્યાં તેમનું બોટથી રેસ્ક્યૂ કરવાની નોબત આવી છે. તો સુરતના વેડરોડ પડોળ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા. દુકાનો અને ઘરમાં પણ પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જીવના જોખમે લોકો આ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા.

સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે હળપતિ આવાસમાં લોકો ફસાયા છે. આ લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં રેડ અલર્ટ વચ્ચે આજે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં સુરતના કતારગામ કાસાનગર વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું. લોકોને બોટમાં બેસાડીને રેસ્ક્યૂ કરીને લઈ જવાની સ્થિતિ સર્જાઈ.

સુરત અને નવસારીને જોડતા વ્યસ્ત એવા ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા. અહીં લગભગ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. વાહનમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો બંધ પડ્યા હતા. જ્યારે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં ગરનાળામાંથી પસાર થવા જતા સમયે એસટી બસ ફસાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *