સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો, પોતાની રિવોલ્વરથી ગોળી મારી

Oplus_131072

સુરતના પોશ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ રવિવારે સવારે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા (Suicide)નો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી અનુસાર, તેમણે પોતાની લાઇસન્સ્ડ રિવોલ્વર વડે ગોળી ચલાવી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ તેમને તાત્કાલિક મહાવીર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે.

ઘટના સુરતના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તારોમાંના એક ગણાતા સિટીલાઇટમાં આવેલા તેમના ઘરે બની હતી. માહિતી અનુસાર, સવારે અચાનક ગોળીબારનો અવાજ સાંભળાયો ત્યારે ઘરના સભ્યો દોડી આવ્યા અને તુષાર ઘેલાણીને લોહીલુહાણ હાલતમાં જોયા. તરત જ તેમને નજીકના મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ઇમરજન્સી ટીમે તેમની પ્રાથમિક સારવાર શરૂ કરી. હાલમાં તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે અને ડોક્ટરો તેમના જીવનને બચાવવા માટે પુરજોશે પ્રયાસ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં જ સિટીલાઇટ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ અને ઘરે પહોંચી ગયા છે. પોલીસે ઘરમાંથી રિવોલ્વર અને અન્ય પુરાવા કબજે કર્યા છે. આપઘાત (Suicide)ના પ્રયાસ પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરિવારજનોએ કોઈ પણ પ્રકારની નાણાકીય તંગી, વ્યવસાયિક મુશ્કેલી કે અન્ય કોઈ વ્યક્તિગત કારણ વિશે હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *