અચાનક માર્કેટ ક્રેશ, 4 લાખ કરોડ સ્વાહા…શિયાળામાં રોકાણકારો ટાઢા પાણીએ નાહ્યા

શેરબજારમાં આજે એટલે કે 18 નવેમ્બરે ઘટાડો રહ્યો. સેન્સેક્સ 500 અંક ઘટીને 82,031 પર બંધ થયો. નિફ્ટીમાં પણ લગભગ 159 અંકનો ઘટાડો રહ્યો અને તે 25,228 પર બંધ થયો. ઓટો, મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી રહી.
દિવસનો સૌથી મોટો ઘટાડો: કારોબાર દરમિયાન જ્યારે સેન્સેક્સ 600થી 700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ (MCap) ₹511.71 લાખ કરોડથી ઘટીને ₹505.71 લાખ કરોડ પર આવી ગયું હતું—જે મુજબ રોકાણકારોને અંદાજે ₹6 લાખ કરોડ (₹6,00,032 કરોડ)નું નુકસાન થયું હતું. રિકવરી બાદની સ્થિતિ: દિવસના અંતે બજારમાં થોડી રિકવરી જોવા મળતાં કુલ નુકસાન ઘટીને અંદાજે ₹4 લાખ કરોડ (₹3.92 લાખ કરોડ) આસપાસ રહ્યું હતું.
ઘટાડાના મુખ્ય કારણો:
પ્રોફિટ બુકિંગ: ઊંચા સ્તરે રોકાણકારો દ્વારા નફાવસૂલી. વૈશ્વિક તણાવ: અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ અને યુએસ ફેડ દ્વારા વ્યાજદર વધારવાની આશંકા. SEBIની સમીક્ષા: માર્જિન ફંડિંગ અંગે સેબીની સમીક્ષાની અસર.
આજના ઘટાડામાં ટાઈટન, બજાજ ફાઈનાન્સ અને TCS જેવા મોટા શેરોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી.
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો IPO ખુલશે
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 20 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીએ IPO માટે શેરની પ્રાઇસ બેન્ડ ₹259થી ₹272 નક્કી કરી છે.
રોકાણકારો ઓછામાં ઓછા 55 શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 55 શેરના ગુણાંકમાં અરજી કરી શકશે.
કંપની આ IPO દ્વારા 455 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. શેરનું લિસ્ટિંગ 26 નવેમ્બરે થઈ શકે છે.