
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે યુદ્ધના આરે પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ ગણાવીને ઈરાન પર સૈન્ય દબાણ વધારી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા લખ્યું છે કે, “તોફાન આવવાનું છે અને જે થવાનું છે તેને હવે કોઈ રોકી શકશે નહીં”.
વ્હાઇટ હાઉસમાં આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ સાથે એક મહત્ત્વની બેઠક કરવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટકોમે ઈરાન પર નાના પણ અત્યંત ઘાતક હુમલાની યોજના તૈયાર કરી લીધી છે, જેને માત્ર ટ્રમ્પની મંજૂરીની રાહ છે. આ પ્લાનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- ઈરાનની બાકી રહેલી સૈન્ય તાકાતને સંપૂર્ણપણે ખતમ કરવી.
- ઈસ્ફહાનમાંથી સંવર્ધિત યુરેનિયમ બહાર કાઢવું.
- સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પૂર્ણ કબજો મેળવીને દરિયાઈ અવરજવર સામાન્ય કરવી.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: $126ને પાર
ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડીની નાકાબંધી ચાલુ રાખવાની જાહેરાતને પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી છે. કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 126 ડોલરને પાર કરી ગઈ છે, જેની અસર આગામી દિવસોમાં વિશ્વભરના અર્થતંત્ર પર જોવા મળી શકે છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝમાં 100% અચૂક નાકાબંધી કરી છે. આ માટે અમેરિકી નૌસેનાએ નીચે મુજબના સૈન્ય સંસાધનો તૈનાત કર્યા છે:
- વોરશિપ્સ: 2 મુખ્ય યુદ્ધજહાજ.
- યુદ્ધ જહાજો: 25 નાના યુદ્ધ જહાજો.
- વિમાનો: 200 થી વધુ લડાયક વિમાનો. અત્યાર સુધીમાં આ નાકાબંધીને કારણે 42 જહાજોને પોતાનો રસ્તો બદલવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની વાયુસેના અને રડાર સિસ્ટમનો 80% હિસ્સો પહેલેથી જ તબાહ કરી દેવામાં આવ્યો છે.
ઈરાનનો વળતો પ્રહાર: “અમેરિકા જાળમાં ફસાયું છે”
બીજી તરફ, ઈરાને અમેરિકાના દાવાઓને ફગાવી દીધા છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના સૈન્ય સલાહકાર મોહસિન રેજઈએ કહ્યું છે કે ટ્રમ્પ અને નેતન્યાહુએ અમેરિકી સેનાને ફારસની ખાડીના “બુચડખાના” માં ફસાવી દીધી છે. ઈરાને પોતાની શેરીઓમાં ‘શાહેદ 136’ ડ્રોન અને મિસાઈલોનું પ્રદર્શન કરીને કોઈપણ હુમલાનો નિર્ણાયક જવાબ આપવાની તૈયારી બતાવી છે.
