કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સાબરમતી ડી કેબિન ખાતે નવીન અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સંસદસભ્ય શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં પસાર થતી અમદાવાદ-પાલનપુર રેલવે લાઈન ઉપર આવેલ રેલવે લાઈન લેવલ ક્રોસિંગ નં- 243, સાબરમતી ડી કેબીન ઉપર રેલવે વિભાગ દ્વારા ફાટક મુક્ત ક્રોસિંગ અભિયાન અંતર્ગત નિર્માણ પામેલા અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ નવીન અન્ડરપાસનું અંદાજિત રૂ.11.32 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ અન્ડરપાસનો લાભ આસપાસના વિસ્તારો જેવા કે, સાબરમતી, રાણીપ, કાળીગામ અને ચાંદખેડામાં વસતા લોકો ઉપરાંત વાણિજ્ય એકમો તેમજ શાળા અને રિંગરોડ તરફ જતા લોકો મળીને આશરે 1,50,000થી વધુ વાહનચાલકોને મળશે. તેમજ આ રેલ્વે ક્રોસિંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા, સમય અને ઇંધણનો વ્યય તથા પ્રદૂષણ જેવી સમસ્યાઓનો પણ હલ આવશે.
આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, ધારાસભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી અને પશ્ચિમ રેલવે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
**