અમદાવાદ સિવિલમાં સર્જિકલ ગ્લોઝની અછત: જૂના ગ્લોઝ સ્ટેરેલાઈઝ કરીને વાપરવા સૂચના આપ્યાના આક્ષેપથી મચ્યો ખળભળાટ

રાજ્યની સૌથી મોટી અને એશિયાની સૌથી વિશાળ સિવિલ હોસ્પિટલ… જ્યાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ હવે આ જ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે. સર્જિકલ ગ્લોઝની અછતના કારણે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને જૂના ગ્લોઝ સ્ટેટાઇઝ કરીને ફરી ઉપયોગમાં લેવા સૂચના અપાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જો કે હોસ્પિટલ તંત્ર આને માત્ર સ્ટોક મેનેજમેન્ટ ગણાવી રહ્યું છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ… રાજ્યની આરોગ્ય વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર… પરંતુ હવે અહીં સર્જિકલ ગ્લોઝની અછત ચર્ચાનો વિષય બની છે. સર્જિકલ અને નોન-સર્જિકલ ગ્લોઝનો પૂરતો જથ્થો ન હોવાથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હોવાના અહેવાલ છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે સર્જિકલ ગ્લોઝનો બિનજરૂરી બગાડ અટકાવવા માટે સ્ટેરેલાઈઝ કરીને ફરી ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, સર્જિકલ ગ્લોઝ સામાન્ય રીતે એક વખતના ઉપયોગ માટે હોય છે. વધુ ગરમીમાં ઓટોક્લેવ પ્રક્રિયા દરમિયાન ગ્લોઝની ગુણવત્તા ઘટી શકે, તેમાં સૂક્ષ્મ કાણાં પડી શકે અને તે દર્દીઓમાં ચેપનું જોખમ વધારી શકે છે.

જો કે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી આક્ષેપોને અલગ રીતે રજૂ કરે છે. તેમના જણાવ્યા મુજબ સપ્લાયર દ્વારા પુરવઠો ઓછો મળતા સ્ટોક પર અસર થઈ છે. હોસ્પિટલમાં દર મહિને અંદાજે અઢી લાખ ગ્લોઝની જરૂર પડે છે, જેમાં દોઢ લાખ સર્જિકલ ગ્લોઝનો સમાવેશ થાય છે. હાલમાં સર્જિકલ ગ્લોઝમાં આશરે 20 ટકા જેટલી અછત છે, જ્યારે નોન-સર્જિકલ ગ્લોઝનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેઓ કહે છે.

સુપરિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ હોસ્પિટલ પાસે આગામી દસ દિવસ ચાલે એટલો સ્ટોક ઉપલબ્ધ છે અને બીજા સપ્લાયર પાસેથી ગ્લોઝ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અરબ દેશોમાંથી આવતો લેટેક્સ અને પ્લાસ્ટિકના કાચા માલના પુરવઠા પર યુદ્ધની અસર પડતાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું.

દર્દીઓની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય, તે આરોગ્ય તંત્રની પ્રથમ જવાબદારી છે. ગ્લોઝની અછત ખરેખર માત્ર સપ્લાયનો તાત્કાલિક પ્રશ્ન છે કે પછી ખરીદી અને આયોજનમાં ક્યાંક ખામી રહી છે? હવે નજર એ વાત પર રહેશે કે હોસ્પિટલ તંત્ર કેટલા ઝડપથી સ્થિતિ સામાન્ય કરે છે અને દર્દીઓની સુરક્ષા અંગે ઊભા થયેલા સવાલોના સંતોષકારક જવાબ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *