
‘હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026’માં શાહરુખ ખાન ફરી એકવાર દેશનો સૌથી અમીર ભારતીય એક્ટર તરીકે ઉભરી આવ્યો છે. ‘હુરુન રિપોર્ટ’ મુજબ, શાહરુખ ખાનની કુલ સંપત્તિ 10,000 કરોડ રૂપિયા નોંધાઈ છે.
આ યાદીમાં 4,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અમિતાભ બચ્ચન બીજા ક્રમે છે. જ્યારે એક્ટર સલમાન ખાને 3,000 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે પહેલીવાર આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
આ ઉપરાંત, હૃતિક રોશન પણ 2,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશના સૌથી અમીર એક્ટરોની યાદીમાં યથાવત્ છે.
શાહરુખ ખાનની કુલ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં તેમની પ્રોડક્શન કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ’ અને આઈપીએલ ટીમ ‘નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ’નો મોટો ફાળો છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે. ‘હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025’માં શાહરુખની નેટવર્થ 12,490 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જ્યારે આ વર્ષની શરૂઆતમાં જાહેર થયેલી ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ’માં તેમની કુલ સંપત્તિ 10,800 કરોડ રૂપિયા જણાવાઈ હતી.
કોઈ બિઝનેસ વિના અમિતાભ બચ્ચનની સંપત્તિમાં ઉછાળો
રિચ લિસ્ટમાં બીજા ક્રમે રહેલા અમિતાભ બચ્ચનની નેટવર્થમાં ગયા વર્ષની સરખામણીએ મોટો સુધારો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, અમિતાભની સંપત્તિ ગયા વર્ષના 1,630 કરોડ રૂપિયાથી વધીને આ વર્ષે 4,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.શાહરુખ ખાનની જેમ અમિતાભ બચ્ચન સીધા કોઈ મોટો બિઝનેસ ચલાવતા નથી. તેઓ પોતાની ફેમિલી ઑફિસ મારફતે ઘણી મોટી કંપનીઓ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કરે છે, જેના કારણે તેમની સંપત્તિમાં આ વધારો નોંધાયો છે.
સલમાન ખાનની એન્ટ્રી, હૃતિકની સંપત્તિમાં પણ વધારો
સલમાન ખાને આ વર્ષે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ‘હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ’માં પહેલીવાર સ્થાન મેળવ્યું છે. જ્યારે હૃતિક રોશનની નેટવર્થમાં પણ વધારો થયો છે.
2025ની યાદીમાં હૃતિકની સંપત્તિ 2,160 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 2,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હૃતિકની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ તેમની પોતાની ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ‘HRX’ છે, જેની માર્કેટમાં કિંમત ઝડપથી વધી છે.
‘હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026’માં આ વખતે કેટલાક જૂના મોટા નામોને સ્થાન મળ્યું નથી. ગયા વર્ષે 7,790 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી એક્ટ્રેસ જૂહી ચાવલા અને 1,880 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ફિલ્મમેકર કરણ જોહર આ વખતે યાદીમાંથી બહાર છે.
આ દરમિયાન, આગામી ફિલ્મ ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના પિતા નરેશ મલ્હોત્રાનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. હુરુનની રિપોર્ટમાં નરેશ મલ્હોત્રાની કુલ સંપત્તિ 16,000 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.
