કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી દીપક બાબરિયાનું અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. દીપક બાબરિયાના નિધનના સમાચારથી ગુજરાત સહિત દેશભરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે શોકની લાગણી ફરી વળી છે.   તમને જણાવી દઈએ કે, દીપક બાબરિયા રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિઓમાના એક હતા.

દીપક બાબરિયા કોંગ્રેસ પક્ષમાં અનેક મહત્વના અને જવાબદારીપૂર્વકના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેઓ મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોના કોંગ્રેસના પ્રભારી તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યા છે. નોંધનીય છે કે તેમના પ્રભારી તરીકેના સફળ કાર્યકાળ દરમિયાન જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી. તેમની સંગઠનાત્મક સુઝબુઝ અને વ્યુહરચનાના પક્ષમાં ભારે વખાણ થતા હતા.   કોંગ્રેસ પક્ષ માટે છેલ્લા ત્રણ દિવસ અત્યંત આઘાતજનક રહ્યા છે. બે દિવસ પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું પણ નિધન થયું હતું. વીરજી ઠુમ્મરના આઘાતમાંથી પક્ષ હજુ બહાર આવે તે પહેલા જ દીપક બાબરિયાનું નિધન થતાં કોંગ્રેસે ટૂંકા સમયમાં પોતાના બે મોટા નેતાઓ ગુમાવ્યા છે.

નેતાઓએ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ
દીપક બાબરિયાના અવસાન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, દીપક બાબરિયાના જવાથી કોંગ્રેસ પક્ષને કદી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.

ડો. તુષાર ચૌધરીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દીપક બાબરિયા હંમેશા સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવા છેક દિલ્હી સુધી લડતા રહ્યા હતા અને લોકોને ન્યાય અપાવવા માટે સતત સંઘર્ષરત રહેતા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે,  INCIndia (કોંગ્રેસ પક્ષ)ના ભૂતપૂર્વ મહાસચિવ અને વરિષ્ઠ નેતા દીપક બાબરિયાના નિધન પર હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. સંગઠન પ્રત્યેનું તેમનું સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવાર અને કોંગ્રેસ પક્ષના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *