Site icon Time News

શું છે ‘અરવલ્લી બચાવો’ અભિયાન, જેના વિવાદની જ્વાળા ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં પ્રસરી

Oplus_131072

અરવલ્લી બચાવોનો નારો હાલ ચારેતરફ ઉઠ્યો છે. જેની અસર ત્રણ રાજ્યોને ભવિષ્યમાં થશે. જે પર્વતમાળા ભૂગર્ભજળને રિચાર્જ કરે છે, જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે અને લાખો લોકોને શ્વાસ લેવા યોગ્ય હવા પૂરી પાડે છે, તેને બચાવવા આજે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર રાજકીય, કાનૂની અને પર્યાવરણીય સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા અને શેરીઓમાં આ અંગે હોબાળો મચી ગયો છે.

ભારતના પશ્ચિમ ભાગ તરફ નજર કરીએ ત્યારે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને જનોઈવઢ પસાર થતી, દક્ષિણમાં ગુજરાત સુધી વિસ્તરેલી એક સળંગ પર્વતમાળા જોવા મળે છે અને તે છે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળામાં જેની ગણના થાય છે તે અરવલ્લીની પર્વતમાળા. અરવલ્લીની પર્વતમાળા હિમાલય કરતા પણ જૂની છે. ગુજરાતમાં તે ઉત્તર ભાગમાં અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વિસ્તરેલી છે. પરંતુ હાલ આ પર્વતમાળાના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો એક મહત્વપૂર્ણ ચુકાદો પર્યાવરણપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ નિર્ણય મુજબ, 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં ખાણકામની મંજૂરી અપાઈ છે, જેણે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના પર્યાવરણીય સંતુલન પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.અરવલ્લી પર્વતમાળા આશરે 692 કિલોમીટર લાંબી છે, જેનો 80% ભાગ (550 કિમી) રાજસ્થાનમાં આવેલો છે. તે માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ એક કુદરતી દીવાલ છે, જે થરના રણને પૂર્વ તરફ આગળ વધતું અટકાવે છે. અરવલ્લીની ઊંચાઈ ઘટવાથી રાજ્યની ચોમાસા પ્રણાલી ખોરવાઈ રહી છે. અગાઉ, બંગાળની ખાડીથી આવતા પવનો અરવલ્લી સાથે અથડાઈને પૂર્વ રાજસ્થાનમાં પુષ્કળ વરસાદ લાવતા હતા. હવે, પર્વતો નબળા પડવાથી આ પવનો સીધા પશ્ચિમ તરફ ફંટાશે છે, જેના કારણે વરસાદ અનિયમિત બને છે.

અરવલ્લી પર્વતમાળા ફક્ત ખડકો અને ટેકરીઓની સાંકળ નથી, પરંતુ ઉત્તર ભારતની જીવનરેખા છે. આ પર્વતમાળા થાર રણની રેતી, ગરમી અને ધૂળના તોફાનોને દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ફળદ્રુપ વિસ્તારોમાં પહોંચતા અટકાવે છે. આ અરવલ્લી પર્વતમાળા ભૂગર્ભજળને રિચાર્જ કરે છે, જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે અને લાખો લોકોને શ્વાસ લેવા યોગ્ય હવા પૂરી પાડે છે.

પરંતુ આજે, અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર રાજકીય, કાનૂની અને પર્યાવરણીય સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સરકારી જવાબ બાદ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સોશિયલ મીડિયા અને શેરીઓમાં હોબાળો મચી ગયો છે. આ પ્રશ્ન ફક્ત કાનૂની વ્યાખ્યાનો નથી, પરંતુ ભાવિ પેઢીઓના ભવિષ્યનો છે.

અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારના જવાબ બાદ, રાજસ્થાન સહિત ત્રણ રાજ્યોમાં રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયાથી લઈને રાજકીય વર્તુળો સુધી, લોકો આ મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યા છે. પર્યાવરણીય નિષ્ણાતો અને સામાન્ય લોકો સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ તેને રાજ્ય અને ઉત્તર ભારતના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો જાહેર કર્યો છે અને રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે.

Exit mobile version