ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એકશનમાં આવી છે.  સાણંદ GIDC પોલીસે મોડીરાત્રે સાણંદ- વિરમગામ હાઈવે પરથી દારુ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું. પોલીસે 32,392 વિદેશી દારૂની બોટલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. રાજસ્થાનના બાડમેરના ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ કરી હતી. રાજસ્થાનના અજમેરથી સુરેન્દ્રનગર દારુ મોકલાયો હતો. પોલીસે દારુ મોકલનાર, કન્ટેઈનર માલિક અને દારુ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાએ 13 લોકોનો ભોગ લીધા બાદ રાજ્યભરની પોલીસ એકશનમાં આવી છે. હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સાણંદ GIDC પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાનથી આવતા એક ટ્રક- કન્ટેઈનરમાં વિદેશી દારુનો જથ્થો છે જેના આધારે સાણંદ GIDC પોલીસે વીરપુરના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન એક શંકાસ્પદ કન્ટેઈનર પસાર થતા પોલીસે અટકાવ્યું હતું અને કન્ટેઈનરની તલાશી લેતા અંદરથી 1200 જેટલા બોક્સમાં 1 કરોડ 11 લાખ રૂપિયાનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારુ ઝડપાતા ટ્રક-કન્ટેઈનરના રાજસ્થાનના બાડમેરના ચાલક કરતારામ મેઘવાલની ધરપકડ કરી લીધી હતી. પોલીસે 32 હજાર 392 વિદેશી દારૂની બોટલ અને ટ્રક મળી કુલ 1.36 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પોલીસે પૂછપરછ કરતા રાજસ્થાનના અજમેરથી સુરેન્દ્ર યાદવ નામના શખ્સે આ દારૂનો જથ્થો મોકલાયો હોવાની કબૂલાત કરી હતી. આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના સુદામડા પહોંચાડવાનો હોવાની પણ ડ્રાઈવરે કબૂલાત કરી હતી. પોલીસની તપાસમાં સુરેન્દ્રનગરના દેવેન્દ્ર બોરીચા, નાગરાજ ખાચર, દેવાયત ખરતાણીએ આ દારૂ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી માલ મોકલનાર સુરેન્દ્ર યાદવ, ટ્રક- કન્ટેઈનર માલિક મેહરારામ અને દારૂનો જથ્થો મંગાવનાર ત્રણ મળી કુલ પાંચ વ્યકિતને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

 આણંદ ગ્રામ્ય પોલીસ મથક નજીક રેડ કરી દારૂનો જથ્થો ઝડપી લીધો

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી રાત્રીના આણંદ ગ્રામ્ય પોલીસ મથક નજીક રેડ કરી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના PI બી.એચ.રાઠોડે માહિતીના આધારે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભાલેજ- આણંદ રોડ પર રેડ પાડી હતી. જ્યાં રોડ પર સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના રહીશ નારણભાઈ ઉર્ફે અતુલ ચૌહાણને અટકાવી તેની પાસે પસાર થતા ટ્રકને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ- બિયરનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે 19 લાખ 63 હજારથી વધુની કિંમતની 7 હજાર 187 વિદેશી દારૂ- બિયરની બોટલ જપ્ત કરી હતી. તો સુરેન્દ્રનગરના સાયલાના ભાવેશ માતાસુરીયા, ટ્રકના માલિક અને નાસિક ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર અને મોકલનાર એમ કુલ પાંચ વ્યકિતને વોન્ટેડ જાહેર કર્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *