અમદાવાદમાં નિયમો નેવે મૂકાયા: પ્રતિબંધ છતાં ગીચ વિસ્તારોમાં ફરે છે ગેસ સિલિન્ડરના ટ્રકો

શહેરના ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં ગેરકાયદે સ્ટોરેજ કરાયેલા 70 જેટલા ગેસ સિલિન્ડરમાં ધડાકા સાથે બ્લાસ્ટ થવાની ઘટનાને લઇને સુરક્ષા અને ગેસ સિલિન્ડરના સ્ટોરેજને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સાથેસાથે તંત્રની મિલીભગતથી ગેસ સિલિન્ડરના સ્ટોરેજને લઇને ચાલતી બેદકરારી પણ સામે આવી છે. ગેસ સિલિન્ડરના  સંગ્રહ માટે ચોક્કસ નિયમો બનાવેલા છે.  જેમાં શહેરી વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક લાવવા અને ગોડાઉન રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતાંય, માત્ર અમદાવાદમાં જ નહી પણ ગુજરાતના અન્ય શહેરોમાં નાગરિકોના જીવને જોખમમાં મુકવામાં આવી રહ્યા છે.

ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીમાં ગેરકાયદે મુકવામાં આવેલા 70 જેટલા ગેસ સિલિન્ડર એક સાથે બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં આસપાસની દુકાનોમાં ભારે નુકશાન થવાની સાથે અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ત્યારે આ ઘટનાને પગલે અમદાવાદમાં ગેસ એજન્સીઓના સંચાલકો અને તંત્રની મિલિભગતથી સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ કરવાની ચોકાવનારી વિગતોની પોલ ખુલી છે.   

ગેસ સિલિન્ડરમા ગોડાઉનમાં સ્ટોરેજ કરવા માટે તેમજ મોટાપાયે ગેસ સિલિન્ડરની હેરફેર કરવા માટે  ફાયર સેફ્ટીના નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ગેસ સિલિન્ડરનું ગોડાઉન શહેરી વિસ્તારમાં રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતાંય, મોટાભાગની ગેસ એજન્સીઓના ગોડાઉન શહેરી વિસ્તારમાં છે. એટલું જ નહી ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકને શહેરી વિસ્તારમાં ભીડભાડ વાળા વિસ્તારમાં લાવવા પર પણ પ્રતિબંધ છે.

પરંતુ, શહેરમાં એક સાથે 500 થી 700 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક બેરોકટોક રીતે ફરે છે.  જેના કારણે ગીતામંદિર વિસ્તારમાં થયેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના જેવી બીજી ઘટનાઓ બને તેની શક્યતા નકારી શકાય તેમ નથી.  ગેસ સિલિન્ડરના સ્ટોરેજ અને તેને લાવવા લઇ જવા માટે ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરાવવાની જવાબદારી ફાયરબ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્રની છે. પરંતુ, હપતાખોરી અને બેદરકારીને કારણે ફાયર સેફ્ટીના નિયમોનો અમલ થઇ શકતો નથી. જેના કારણે લોકોના જીવ જોખમમાં રહે છે.

ગેરકાયદે ગેસ રિફિલિંગનું મોટું નેટવર્ક પણ જોખમી 

અમદાવાદમાં શહેરી વિસ્તારમાં સિલિન્ડરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરીને અન્ય સિલિન્ડરમાં ભરવાનું કૌભાંડ પણ ગેસ એજન્સીઓના સંચાલકો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના ખોડીયારનગર, બહેરામપુરા, સરખેજ, નારોલ સહિતના રહેણાંક વિસ્તારમાં ખુબ મોટાપ્રમાણમાં ગેસની ચોરી જોખમી રીતે કરવામાં આવે છે. ત્યારે વસાહતમાં પણ ગેરકાયદે  ગેસ ચોરીથી મોટી જાનહાની થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *