રાજકોટની સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર LCBના દરોડા, 33 મહિલા અને 43 પુરુષોને મેડિકલ માટે લઈ જવાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત સરાઝા હોટલમાં LCB દ્વારા દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના નામાંકિત બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને તેમના પરિવારજનો હાજર હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ડેકોરા ગ્રુપના ચિરાગ અરવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેકોરા ગ્રુપના અગ્રણી જમનભાઈના પુત્ર નિખિલ પટેલ દ્વારા પાર્ટી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીમાં અંદાજે 50 જેટલા કપલ સહિત 70થી 80 લોકો હાજર હોવાની માહિતી સામે આવી હતી.
સરાઝા હોટલના પાર્કિંગમાં 50થી વધુ લક્ઝરી કાર જોવા મળી હતી. જેમાં ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર પણ પાર્કિંગમાં હોવાનું સામે આવ્યું હતું. આ બંને કારના નંબર GJ03 LG 5222 અને GJ03 QG 5222 છે. પાર્ટીમાં શહેરના નામાંકિત બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના પરિવારજનો હાજર હોવાની ચર્ચા છે.
પોલીસની રેડ દરમિયાન હોટલની લાઈટો બંધ થવાનો મામલો પણ ચર્ચામાં આવ્યો છે. મીડિયા હોટલ પહોંચતાં જ રાત્રિના સમયે બહારની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. હાઈપ્રોફાઈલ હોટલમાં જનરેટરની વ્યવસ્થા હોવા છતાં લાઈટો કેમ બંધ કરવામાં આવી અને અંદાજે બે કલાક સુધી લાઈટો કેમ બંધ રાખવામાં આવી તેવા સવાલો ઊભા થયા છે.
33 મહિલાઓ અને 43 પુરુષોને મેડિકલ માટે લઈ જવાયા
પોલીસે હોટલમાંથી 33 મહિલાઓ અને 43 પુરુષોને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને પોલીસ બસ અને વેન મારફતે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક લોકો કેમેરામાં ઓળખાઈ ન જાય તે માટે ટેબલ ક્લોથ અને રૂમાલથી મોં ઢાંકતા જોવા મળ્યા હતા.
તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે મેડિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
હોટલમાંથી 25થી 30 દારૂની બોટલો મળી
પોલીસ દ્વારા હોટલમાંથી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. અંદાજે 25થી 30 જેટલી બોટલો ત્રણ કેરેટમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પાર્ટીનો અડધો કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને અડધો બાકી હતો ત્યારે પોલીસ પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં 75 જેટલી મહિલાઓ અને પુરુષો હાજર હતા. તમામને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે જાણી શકાશે. હોટલની લાઈટો કેમ બંધ કરવામાં આવી હતી તે અંગે પણ માહિતી મેળવવામાં આવશે.
બીજી તરફ ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ચિરાગ પટેલનો દિવાળી સમયે જન્મદિવસ હોવાથી અગાઉથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસોમાં કોઈ હાજરી આપી શકે નહીં તે માટે એડવાન્સમાં પાર્ટી રાખવામાં આવી હતી. તમામ લોકોને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ACP બી.જે. ચૌધરીના જણાવ્યા મુજબ, પાર્ટીનું આયોજન કરનાર ચિરાગ પટેલ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરાઝા હોટલના મેનેજર સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. ચિરાગ પટેલ કે હોટલ દ્વારા દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટની આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં હાજર રહેલા લોકોમાંથી કેટલાએ દારૂનું સેવન કર્યું હતું, દારૂની વ્યવસ્થા કોણે કરી હતી અને હોટલની લાઈટો કેમ બંધ કરવામાં આવી હતી તેવા સવાલોના જવાબ હવે પોલીસ તપાસ બાદ સામે આવશે.