આગામી 48 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હજુ ચોમાસાનું બરાબર આગમન થયું નથી. હજુ પણ કેટલાક જિલ્લાઓ કોરા ધાકડ છે, ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તો પૂર્વ ગુજરાતમાં વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ સાંજના સમયે હવામાનમાં પલટી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ગુજરાતમાં પંચમહાલ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરમાં 2 થી 4 જુલાઈ દરમિયાન હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે, જેના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. જે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે.
ઉત્તર ગુજરાતમાં 12 જુલાઈ સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ અથવા હળવો વરસાદ પડવાની શક્યતા છે. તો મહેસાણા, પાટણ, સમી, હારીજ તેમજ અરવલ્લી વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, આહવા, ડાંગ, વલસાડમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16મી જુલાઈ સુધીમાં મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની શકયતા છે, જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવક થશે.