અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદ, રાજકોટ-મહીસાગરના ખેડૂતોને રાહત

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સેટેલાઈટ, મેઘાણીનગર અને મણીનગરમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શાહીબાગ, આંબાવાડી અને આંબલીમાં પણ વરસાદ વરસ્યો છે. પાલડી, વિરાટનગર અને સીટીએમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. થલતેજ, ગોતા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઘાટલોડિયા, પ્રહલાદનગર અને શિવરંજની વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં શહેરનું વાતાવરણ બદલાઈ ગયું છે.
રાજકોટમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરમાં સતત ત્રીજા દિવસે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી છે. વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ હવે ફરી વરસાદ થતાં મગફળી, કપાસ સહિતના પાકોને જીવનદાન મળશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે.મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉભો પાક સુકાવાની તૈયારીમાં હતો ત્યારે વરસાદ પડતાં પાકને જાણે જીવતદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી ખેડૂતોને હવે પાક બચવાની આશા બંધાઈ છે.
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે જ વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને માળીયા હાટીના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. માળીયા હાટીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાઠંબામાં દોઢ ઇંચ જ્યારે મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ વરસતા ખેતીના પાકને ફાયદો થશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મેઘરજ, બાયડ, ભિલોડા, શામળાજી, ધનસુરા અને માલપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોને પાક બચવાની આશા જાગી છે.