
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને સામસામે મળી શકે તેવી ચર્ચાઓ તેજ બની છે. બંને નેતાઓ ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન મુલાકાત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠક આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક મુદ્દાઓની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ શહેરમાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં અનેક વિશ્વ નેતાઓ હાજરી આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત G7 સમૂહનું સત્તાવાર સભ્ય દેશ ન હોવા છતાં, વૈશ્વિક આર્થિક અને રાજનૈતિક મુદ્દાઓમાં ભારતની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેને ભાગીદાર દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે.
આ મુલાકાત ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે, છેલ્લા લગભગ 16 મહિનામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ સીધી મુલાકાત થઈ નથી. વિશ્વ રાજકારણમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે બંને નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર રહેશે. વેપાર, સુરક્ષા, વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.
ફ્રાન્સના વિદેશ મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના વિદેશ મંત્રીએસ જયશંકરઅને ફ્રાન્સના યુરોપ તથા વિદેશ મંત્રી જીન-નોએલ વચ્ચે થયેલી બેઠક દરમિયાન પણ G7 સમિટમાં ભારતની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ વૈશ્વિક મુદ્દાઓમાં ભારતના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
