PM Modi Birthday: ‘વડાપ્રધાન મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે’:શાહે કહ્યું- 25 વર્ષમાં એક પણ રજા નથી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિશ નિમિત્તે તેમના વતન વડનગરમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત રહીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે હાટકેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જાહેર જીવન, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના અપ્રતિમ યોગદાનની વાત કરી હતી.

સેવા સંકલ્પ યાત્રા: જન્મભૂમિથી કર્મભૂમિ સુધી
કેન્દ્રીય ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાનના ૨૫ વર્ષના સફળ જાહેર જીવનના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે વડનગરથી વારાણસી સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ યાત્રા યોજાશે. આ યાત્રા દેશના ૭ રાજ્યોમાંથી પસાર થશે અને ૩૦૦ જેટલી યાત્રાઓ દ્વારા પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના કાર્યોનો સંદેશ પહોંચાડશે. ૭ ઓક્ટોબરે વડાપ્રધાન રાજકારણમાં ૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. સાર્વજનિક જીવનમાં સતત ૨૫ વર્ષ સુધી એક પણ ચૂંટણી હાર્યા વગર શાસન કરવાનો આવો રેકોર્ડ આ પહેલાં કોઈ નેતાએ બનાવ્યો નથી.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “હું ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીજીનો સાથી હતો અને આજે કેન્દ્રમાં પણ છું. મેં તેમને ખૂબ નજીકથી જોયા છે; તેમણે એક પણ દિવસની રજા લીધા વગર નિષ્ઠાપૂર્વક દેશની સેવા કરી છે.” તેમણે રાજ્યને કરફ્યુમુક્ત બનાવ્યું, ઔદ્યોગિક વિકાસ, શિક્ષણ, જળ સંચય અને કિસાનો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી. ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતાં શિક્ષણ અને વ્યાપારનો વિકાસ થયો, જેનાથી ગ્રામીણ સ્થળાંતર અટક્યું. આ ‘ગુજરાત મોડલ’ના આધારે જ ૨૦૧૪માં દેશે તેમને ‘પ્રધાન સેવક’ તરીકે ચૂંટ્યા. શના ૮૦ કરોડ ગરીબોને ઘર, વીજળી, પીવાનું પાણી, મફત અનાજ, ગેસ સિલિન્ડર અને શૌચાલય પૂરા પાડીને તેમણે ગરીબ કલ્યાણનો નવો ઇતિહાસ રચ્યો છે.

સુશાસન, નિર્ણાયક નેતૃત્વ અને વૈશ્વિક સન્માન
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે નરેન્દ્ર મોદીના બે દાયકાથી વધુના શાસન પર આજે પણ ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. પદ્મ પુરસ્કારોની પ્રક્રિયામાંથી સિફારિશ સંસ્કૃતિ નાબૂદ કરી ખરા અર્થમાં સમાજસેવકોને સન્માનિત કર્યા છે. કલમ ૩૭૦ નાબૂદ કરવી, ટ્રિપલ તલાક રદ કરવા, સર્જિકલ સ્ટ્રાઈક અને જીએસટી (GST) જેવા આર્થિક સુધારાઓ દ્વારા તેમણે દેશની આર્થિક સ્થિતિ અને સુરક્ષા મજબૂત કરી છે. વિશ્વના ૩૫ દેશોએ તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે, જે કોઈપણ ભારતીય નેતા માટે પ્રથમ ઘટના છે.

‘ભારત પ્રથમ’નો સંકલ્પ
ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ૨૦૪૭ના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે દેશના બાળકો અને યુવાનો મોદીજીના જીવનમાંથી પ્રેરણા લે તે અત્યંત જરૂરી છે. તેમણે દેશવાસીઓને જ પોતાનો પરિવાર માન્યો છે અને ‘ઇન્ડિયા ફર્સ્ટ’ (ભારત પ્રથમ)ના મંત્ર સાથે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. અંતમાં, ગૃહમંત્રીએ હાટકેશ્વર મહાદેવની મહાઆરતીમાં ભાગ લેતા પીએમ મોદી શતાયુ થાય અને દેશને નિરંતર પોતાનું યોગદાન આપતા રહે તેવી ભાવભરી પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે ગુજરાતના વડનગરમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સંદેશ સાથે “વડનગરથી વારાણસી” બાઇક રેલીને લીલી ઝંડી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *