‘મફત સુવિધાઓને કારણે લોકો કામ જ કરતા નથી’, રેવડી કલ્ચર પર ભડક્યું સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત સુવિધાઓની જાહેરાત કરવાની પ્રથાની ટીકા કરી છે અને કહ્યું કે લોકો કામ કરવા માટે ઇચ્છુક નથી કારણ કે તેમને મફત રાશન અને પૈસા મળી રહ્યાં છે. કોર્ટે રાજકીય પાર્ટીઓના મફત દાવા કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. આ ટિપ્પણી ન્યાયમૂર્તિ બીઆર ગવઇ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જોર્જ મસીહની પીઠે કરી છે. કોર્ટમાં બેઘર લોકોને શહેરી વિસ્તારમાં આશ્રય સ્થળ આપવાની માંગને લઇને સુનાવણી ચાલી રહી હતી.
ન્યાયમૂર્તિ ગવઇએ કહ્યું, ‘દુર્ભાગ્યથી આ મફત સુવિધાઓને કારણે…લોકો કામ કરવા તૈયાર નથી, તેમને મફત રાશન મળી રહ્યું છે અને કામ કર્યા વગર જ પૈસા મળી રહ્યાં છે.’ બેન્ચે કહ્યું કે, અમે તેમના પ્રત્યેની તમારી ચિંતાની પ્રશંસા કરીએ છીએ. મફત રાશન અને પૈસા આપવાને બદલે, શું આ લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવાની તક આપવી વધુ સારૂં નહીં હોય?
ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, ‘અમે તેમના પ્રત્યેની તમારી ચિંતાને સમજીએ છીએ, પરંતુ શું એ વધુ સારું નહીં રહે કે તેઓ પણ સમાજની મુખ્યધારામાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે?’ એટર્ની જનરલ આર. વેંકટરમણીએ બેન્ચને જણાવ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકોને આશ્રય આપવાની વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે.’ ખંડપીઠે એટર્ની જનરલને કેન્દ્ર સરકાર પાસે શહેરી ગરીબી નાબૂદી મિશનને લાગુ કરવામાં કેટલો સમય લાગશે તેનો જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો છે.