પાકિસ્તાન નહીં સુધરે: યુદ્ધવિરામનો ભંગ કરી ભુજ સહિત દેશના અનેક વિસ્તારોમાં ઘાતક ડ્રોનથી હુમલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો પહેલા જ જાહેર થયેલા યુદ્ધવિરામનો ભંગ થવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે, જેના જવાબમાં ભારતીય સીમા સુરક્ષા બળ (BSF) પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે બપોરે જ ડીજીએમઓ સ્તરે થયેલી વાતચીત બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, જેને પાકિસ્તાન દ્વારા થોડા જ કલાકોમાં તોડી નાખવામાં આવી છે. ઇસ્લામાબાદ દ્વારા યુદ્ધવિરામ વાટાઘાટો શરૂ કર્યા પછી, ભારતે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ તરત જ પાકિસ્તાન સરકારે પણ તેની પુષ્ટિ કરી હતી. જોકે, આ કરાર પછી તરત જ પાકિસ્તાન દ્વારા આક્રમકતા શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાની સેનાએ જમ્મુના અખનૂર, રાજૌરી અને આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તોપમારો શરૂ કર્યો છે. આ ઉપરાંત, જમ્મુના પાલનવાલા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર પણ યુદ્ધવિરામ ઉલ્લંઘનના અહેવાલો મળ્યા છે. માત્ર ગોળીબાર જ નહીં, ડ્રોન પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે. બારામુલ્લામાં, એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે અને શંકાસ્પદ માનવરહિત હવાઈ વાહનો (UAV) પણ જોવા મળ્યા હતા.