GST DAY નિમિત્તે રાજ્ય કર ભવન ખાતે યોજાયેલી રક્તદાન શિબિરને અભૂતપૂર્વ પ્રતિસાદ – 105 યુનિટ રક્ત એકત્ર

GST DAY નિમિત્તે રાજ્યવેરા પરિવાર દ્વારા રાજ્ય કર ભવન, અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં કુલ 105 યુનિટ રક્ત એકત્ર થયું, જે કાર્યક્રમની નોંધપાત્ર સફળતા દર્શાવે છે. વિશેષ ગર્વની વાત એ રહી કે લગભગ 50 ટકા રક્તદાતાઓએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. ઉપરાંત, મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય વેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, અમદાવાદ વ્યાપારી મહામંડળ, ગુજરાત ટેક્સ બાર એસોસિએશન, IT સિસ્ટમના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, વ્યવસ્થા શાખા, રંગોળી ટીમ, સફાઈ કર્મચારીઓ, પટાવાળા મિત્રો, ડેકોરેશન સેવા કર્મચારીઓ તથા કેન્ટિન સ્ટાફ સહિત તમામ સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આ પ્રસંગે માનનીય મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રૂપવંત સિંઘ, માનનીય ખાસ રાજ્ય વેરા કમિશનર શ્રી સુજીત કુમાર તથા માનનીય અધિક રાજ્ય વેરા કમિશનર શ્રી અરવિંદ વિજયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ રક્તદાતાઓ અને આયોજનમાં જોડાયેલા તમામ કર્મચારીઓના સેવાભાવ અને સમર્પણને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા પણ રાજ્ય વેરા વિભાગના આ સેવાયજ્ઞની પ્રશંસા કરવામાં આવી હતી તથા પ્રમાણપત્ર અર્પણ કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને સાકાર કરતાં રાજ્યવેરા પરિવાર દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. ભવિષ્યમાં પણ આવા લોકહિતના અને માનવસેવાના કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *